- ભાવનગર ખાતે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોની મુલાકાત લીધી
- બ્રેઈનપાવર-મેનપાવરનો યોગ્ય ઉપયોગ દેશને વિકાસની દિશામાં વેગ આપશે
- અલંગ બાદ કન્ટેનર ઉદ્યોગના વિકાસની બહુ મોટી સંભાવના
ભાવનગર આગામી દિવસોમાં કન્ટેનર સહિત મોટા ઉદ્યોગોનુ હબ બની ગયુ છે. અલંગ બાદ કન્ટેનર ઉદ્યોગના વિકાસની બહુ મોટી સંભાવના છે. કોવીડ પહેલા દુનિયામાં ચીન એકલુ 95 ટકા કન્ટેનર બનાવતુ હતુ. કોરોનામાં અછાત સર્જાતા ભાવનગરના સાહસિકે ઝંપલાવતા પ્રથમ ઓર્ડર 10 હજાર કન્ટેનર હતો. હાલ ભાવનગરમાં વર્ષે 8000 કન્ટેનર બનાવવાની ક્ષમતા વિકસાવવામાં આવી છે. એમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા જવાહર મેદાનમાં એક્સ્પોનુ આયોજન થયુ હતું. જેની મુલાકાત વેળાએ કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, સ્ક્રેપ પોલીસી બાદ સ્ક્રેપ યાર્ડને લીધે ભાવનગરનો વિકાસ વધુ તેજ બનશે. ભાવનગર પોર્ટ માટે કામ ચાલી રહ્યુ છે. સીએનજી ટર્મિનલ બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. જમીનના પ્રશ્નો સોલ્યુશન થઈ ગયા બાદ ભાવનગરની તાસીર બદલાઈ જવાની છે.
માંડવિયાએ કહ્યું કે, વિકાસની સાથે સાથે દેશની વિરાસતનું પણ સંરક્ષણ થઇ રહ્યું છે. લોથલ અને ધોળાવીરા સહિતની વિરાસતને ફરી જીવંત કરવા પણ સરકાર પ્રયત્નો કરી રહી છે. દેશમાં બ્રેઇન પાવર અને મેન પાવરને વિકાસની સાથે કેવી રીતે જોડી શકાય તે બાબતે સરકાર દ્વારા પણ યોગ્ય આયોજન કરી કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના સમયમાં પણ કોરોનાની રસી શોધી અન્ય દેશોને પણ પૂરી પાડવામાં આવી હતી. આથી બ્રેઈનપાવાર અને મેનપાવાર એ વિકાસમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે.
આ એક્સપો નો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ કંપની, સ્ટાર્ટઅપ વગેરે ઉદ્યોગોને વેગ મળે તેવો છે. એક્સપોમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલોપમેન્ટ, ભારતીય સ્ટેટ બેંક, ઓમેગા એલિવેટર, આયુષ ઇન્ફ્રાકોનના વિવિધ ઉદ્યોગોના સ્ટોલ ઉભા કરી જરૂરી માહિતીઓ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મહુવાનાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, અભયસિંહ ચૌહાણ, ચેમ્બર ઓફ્ કોમર્સના અગ્રણીઓ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


