- તા. 31 ડિસે.ના રોજની સ્થિતિએ માહિતી ઓનલાઈન સુપરત કરવાની રહેશે
- FD, નવી ચીજોની ખરીદીની માહિતી ન આપનારના ઈન્ક્રીમેન્ટ રોકવા, નોટિસ આપવાની સત્તા
- બ્લડ રીલેશનના નામે મિલકત વસાવી હોય તો તેની વિગતો જાહેર કરવાની રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-1થી 2માં ફરજ બજાવતા અને નવી નિમણૂંક પામેલા તેમજ બઢતીથી નિમણૂંક પામેલા અધિકારીઓ અને કર્મચારીઓએ તા. 31 ડિસેમ્બર, 2023ના રોજની સ્થિતિએ તમામ સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી ઓનલાઈન ભરીને સુપરત કરવા સૂચના આપવામાં આવી છે. તા.31 ડીસેમ્બરના રોજની સ્થાવર તથા જંગમ મિલ્કતની માહીતી દર્શાવતું પ્રોપર્ટી રીટર્નનું ડેકલેરેશન ફોર્મ ભરીને પછીના વર્ષની તા.31મી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવાનું ફરજીયાત છે. આ હેતુસર AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કર્યો છે. મ્યુનિ. અધિકારીઓ અને કર્મચારીઓએ વર્ષ દરમિયાન કોઈપણ વ્હીકલ, T V, F D, મકાન, જમીન સહિત નવી ચીજવસ્તુની ખરીદી કરી હોય તેની વિગતો ફરજિયાતપણે દર્શાવવાની રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારી માહિતી સુપરત ન કરે તો AMC કમિશનર દ્વારા કસૂરવાર અધિકારી અને કર્મચારીને GCSR અંતર્ગત નોટિસ આપી શકે છે અને ઈન્ક્રીમેન્ટ પણ રોકી શકે છે.
AMCમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના નામે અથવા બ્લડ રીલેશનમાં હોય તેવી વ્યક્તિઓ કે સભ્યોના નામે નવી કોઈ સ્થાવર કે જંગમ મિલકત વસાવી હોય તો તેની વિગતો જાહેર કરવાની રહેશે. મ્યુનિ. અધિકારીઓ અને કર્મચારીઓએ જાહેર કરેલ મિલકતની વિગતો કરતાં વધુ મિલકત ધરાવે છે કે કેમ એટલેકે અપ્રમાણસર મિલકત ધરાવે છે કે નહીં, તે બાબત નક્કી કરવામાં આ પ્રકારની માહિતી મહત્વની બની રહે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, AMCના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા તથા નવી નિમણુંક પામેલ તેમજ બઢતી પામેલ તમામ વર્ગ 1 થી 2 ના અધિકારી/ કર્મચારીઓએ તા.31/12/2023 ની સ્થિતિએ સ્થાવર તથા જંગમ મિલ્કતની માહિતી ભરીને પ્રોપર્ટી રીટર્નનું ડેકલેરેશન ફોર્મ તા.29/02/2024 સુધીમાં આ સાથે સામેલ યુઝર ગાઇડ લાઈન મુજબ જરૂરી કાર્યવાહી કરી માઈકો ટેકના નવા મોડયુલમાં ઓનલાઇન ભરીને મોકલી આપવાના રહેશે.


