- મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં અનુક્રમે 14 અને 10 ખાનગી યુનિ.ની સ્થાપના થઇ
- પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં 28 તો મહારાષ્ટ્રમાં 15 ખાનગી યુનિવર્સિટી ઊભી થઇ
- કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જારી કરેલા અંકોથી જાણકારી મળી
દેશમાં વીતેલા પાંચ વર્ષ દરમિયાન કુલ 140 ખાનગી યુનિવર્સિટી ખોલવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં ખાનગી યુનિવર્સિટી શરૂ થઇ છે અને તે પછીના ક્રમે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રહે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જારી કરેલા અંકોથી આ જાણકારી મળી શકી છે. ઉપલબ્ધ આંકડા મુજબ વીતેલા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં 28, તો મહારાષ્ટ્રમાં 15 ખાનગી યુનિવર્સિટી ઊભી થઇ છે.
આ મુદત દરમિયાન મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં અનુક્રમે 14 અને 10 ખાનગી યુનિવર્સિટીની સ્થાપના થઇ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સંબંધિત રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયેલા કાયદા અને સરકાર તરફથી જારી થયેલા જાહેરનામા આધારે ખાનગી યુનિવર્સિટીની સ્થાપના થતી હોય છે. વિશ્વ વિદ્યાલય તરફથી સંબંધિત રાજ્ય સરકારના કાયદા અને જાહેરનામા રજૂ થતાં યૂજીસી અધિનિયમ 1956ની કલમ 2(એફ) મુજબ યૂજીસી તેની પાસેની યુનિવર્સિટીની યાદીમાં તે ખાનગી યુનિવર્સિટીને પણ સામેલ કરે છે.’
અધિકારીએ કહ્યું કે યૂજીસી નિયમિતપણે આ ખાનગી યુનિવર્સિટીઓ સાથે સંવાદ કરે છે અને યુનિવર્સિટી નિયમોનું પાલન કરે તેના પર નજર રાખે છે. યૂજીસીએ જણાવ્યું છે કે આ ખાનગી યુનિવર્સિટીએ કોઇપણ નિયમનું મોટાપાયે ઉલ્લંઘન કર્યું હોય તેવી જાણકારી મળી નથી.
આ રાજ્યોમાં પણ ખૂલી ખાનગી યુનિવર્સિટી
વીતેલા પાંચ વર્ષમાં છત્તીસગઢમાં સાત ખાનગી યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. ઝારખંડ અને રાજસ્થાનમાં અનુક્રમે 6-6 ખાનગી યુનિવર્સિટી ઊભી થઇ હતી. આ મુદત દરમિયાન બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ અને તેલંગાણામાં 5-5 ખાનગી યુનિવર્સિટીની રચના થઇ હતી. તો આંધ્રપ્રદેશ, હરિયાણા, મણિપુર, તામિલનાડુ, સિક્કિમ અને ઉત્તરપ્રદેશમાં 4-4 ખાનગી યુનિવર્સિટી ઊભી થઇ હતી.


