- પોપ્યુલર બિલ્ડરે ચેખલા ગામે કરોડોની જમીન બોગસ દસ્તાવેજોથી પચાવી
- પ્રતિબંધિત સત્તાની જમીન બનાવટી દસ્તાવેજોથી કંપનીઓના નામે કરી
- પોલીસ દ્વારા નાણાંકીય વ્યવહારોની તપાસ ચાલુ કરવામાં આવી
સાણંદ તાલુકાના ચેખલા ગામે કરોડો રૂપિયાની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર ગ્રુપના આરોપી બિલ્ડર રમણ પટેલને સાણંદ કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.આ કેસની તપાસમાં આરોપી પાસેથી બનાવટી દસ્તાવેજો અંગેના અને મોટી રકમની હેરાફેરી અંગેના પુરાવા મળ્યા છે. આરોપીના બનાવટી દસ્તાવેજોમાં સહી કરનારનું નિવેદન લેવામાં આવ્યુ છે. આ ઉપરાંત આરોપી રમણ પટેલએ દસ્તાવેજોની હેરાફેરી કરવા માટે કોણે કોણે ઉપયોગ કર્યો હતો તેની વિગતો મળી આવી છે. પોલીસ દ્વારા નાણાંકીય વ્યવહારોની તપાસ ચાલુ કરવામાં આવી છે.
પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવવા માટે કોર્ટને જણાવ્યુ હતુ કે, આ કામે પકડાયેલ આરોપી રમણભાઇ ભોળીદાસ પટેલ ખોટા અને બનાવટી દસ્તાવેજી કાગળો બનાવવાની ટેવવાળા તથા પોતાના આર્થિક લાભ માટે નિર્દોષ ખેડૂત ખાતેદારોની કિમંતી જમીન પચાવી પાડવાની ટેવવાળા, ગુનાહીત ઇતિહાસ તથા માનસીકતા ધરાવે છે. આરોપી રમણ પટેલ તથા સહઆરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરૂ રચી ચેખલા ગામની કરોડો રૂપિયાની જમીન પ્રતીબંધિત સત્તા પ્રકારની હોવા છતાં અને જેનો દસ્તાવેજ થઇ શકે નહી તેમ જાણતા હોવા છતા આ જમીનનો જુદી જુદી કંપનીઓના નામે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. કરોડોની જમીનનો દસ્તાવેજો જુદી જુદી કંપનીઓના નામે કરી લીધેલ હોય જે વેચાણ દસ્તાવેજ કરી લેનારની માહિતી મળી છે. આરોપીએ રેવન્યુ રેકર્ડે પોતાનુ નામ દાખલ કરાવવા માટે અત્યાર સુધીમા કોઇ રેવન્યુ કાર્યવાહી કરેલ છે તેની પણ તપાસ કરવાની છે. કેસની તપાસમાં આરોપી પાસેથી બનાવટી દસ્તાવેજો અંગેના અને મોટી રકમની હેરાફેરી અંગેના પુરાવા મળ્યા હોઇ તેને સાથે રાખીને તે દિશામાં પણ તપાસ કરવાની છે.


