- 3,300 એકરના શહેરમાં હાઈરાઈઝ ફ્લેટ ખરીદીને છૂટથી દારૂ પીવાશે એવું કંઈ નથી !
- ગુજરાતમાં પહેલી વખત ફોરેન લિકર-FL-3નું લાઈસન્સ આપવા માટેનું નોટિફિકેશન પ્રસિદ્ધ કરાશે
- ગિફ્ટ સિટીની અંદર પણ SEZની બહાર હોટેલ- રેસ્ટોરન્ટના પ્રોજેક્ટને પણ FL- 3નું લાઈસન્સ મળશે
3,300 એકરમાં આબાદ થનારા ગુજરાત ઈન્ટરેશનલ ફાઈનાન્સ ટેક સિટી- GIFT સિટીમાં શુક્રવારે ગુજરાત સરકારે ‘વાઈન એન્ડ ડાઈન’ અર્થાત જ્યાં જમો ત્યાં જ દારૂ પીવાની સુવિધા આપવા નિર્ણય કર્યા બાદ ચૌમેરથી ગિફ્ટ સિટીમાં ફ્લેટ ખરીદીને છૂટથી દારૂ પીવાશે એવી હવા બંધાઈ રહી છે. જો કે, આ હકીકત સાચી નથી. આ સંદર્ભે નશાબંધી એક્ટમાં છૂટછાટના નોટિફિકેશન, રૂલ્સ તેમજ સ્પેશિયલ ઓપરેટિવ પ્રોસિજર્સ- SOP તૈયાર કરી રહેલા પોલિસી મેકર્સ અધિકારીના કહેવા મુજબ ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ અને રિસોર્ટ ઉપરાંત કોર્પોરેટ કંપનીઓના કેન્ટિંગમાં જ ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસેલિટી મળશે. રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં આવી છૂટછાટ નથી !
સંદેશ’ સાથેની વાતચીતમાં પોલિસી મેકર્સ ગ્રૂપના ઓફિસરે કહ્યું કે, ગિફ્ટ સિટીનો હાલનો એરિયા 886 એકરથી વધીને 3,300 એકર થઈ રહ્યો છે. આ નવા શહેરની અંદર પહેલાથી જ 260 એકરમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન- SEZ છે. જ્યાં વેપારી, ધંધાકીય પ્રવૃતિ ઉપરાંત રહેણાંક એરિયા છે. 260 એકરના SEZમાં લીકરના સંગ્રહ, વેચાણ અને વપરાશ પહેલાથી જ ફોરન લીકર અર્થાત FL- 1 અને FL- 2 લાઇસન્સ અને લીકર પરમિટ આધારિત મુક્ત છે. હવે SEZ સિવાયના ક્ષેત્રમાં ડેવલપ થનારા રેસિડેન્સિયલ સિવાય કોર્પોરેટ, હોટેલ્સ, રિસોર્ટ કે ક્લબના કાયમી અધિકારી કે કર્મચારીઓ, માલિકો અને અધિકૃત મુલાકાતીઓને વાઈન એન્ડ ડાઈન ફેસેલિટી આપવા FL-3ના લાઈસન્સ આપવા સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતમાં હજી સુધી FL-3નું એક પણ લાઈસન્સ ઈસ્યૂ થયંુ નથી. ગિફ્ટ સિટી માટે જ પ્રથમ વખત નિર્ણય કરાયો છે. તેના માટે ગૃહ વિભાગના ACSના અધ્યક્ષસ્થાને એક હાયર લેવલની કમિટીની રચના થશે. કમિટી FL-3ના લાઈસન્સ આપતા પૂર્વે માંગણીકર્તા કોર્પોરેટ કંપનીઓની કેન્ટીગ, હોટેલ્સ- રિસોર્ટ કે ક્લબની સિટીંગ કેપેસિટી સહિતની ફેસેલિટીની ચકાસણી કરશે. બાદમાં વાઈન એન્ડ ડાઈનની મંજૂરી આપશે. એથી ગિફ્ટ સિટીમાં રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં પણ FL-3ની એક્ટિવિટીને છૂટ મળશે તેવું નથી. વાઈબ્રન્ટ સમિટ-2024 પૂર્વે આ નિર્ણયના અમલ તરફનું નોટિફિકેશન અને SOP જાહેર થતા તમામ અટકળોને અંત આવશે.
FL- 3નું લાઈસન્સ એટલે વાઈન શ્ ડાઈનની છૂટ !
નશાબંધી અને આબકારી એક્ટ મુજબ ”ગુજરાતમાં અત્યારે માત્ર ફોરન લિકર(FL) અર્થાત વિદેશી દારૂના સંગ્રહ અને વેચાણ માટે માત્ર FL- 1 અને FL- 2 એમ બે જ પ્રકારના લાઈસન્સ છે. જ્યારે તેના વપરાશ માટે આરોગ્ય હેતુ અને બહારથી આવતા પ્રવાસી માટે તેમજ એક્સ આર્મીમેન એમ ત્રણ રીતે પરમિટ ઈસ્યૂ થાય છે. ગુજરાતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત એક પણ જાહેર સ્થળે ‘વાઈન એન્ડ ડાઈન’ અર્થાત જ્યાં જમો ત્યાં જ દારૂ પીવાની સુવિધા નથી. આવી ફેસેલિટી માત્ર FL- 3 લાઈસન્સને આધિન છે. ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, ક્લબ- રિસોર્ટ્સ કે પછી કોર્પોરેટ કંપનીની કેન્ટીગને આ ફેસેલિટી અર્થાત FL- 3ના લાઈસન્સ મળશે.
આ ચાર સભ્યોની કમિટી FL-3નું લાઈસન્સ આપશે
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACSના અધ્યક્ષસ્થાને ચાર સભ્યોની કમિટી FL-3નું લાઈસન્સ આપવા નિર્ણય કરશે. જેમાં ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO તપન રે (નિવૃત IAS), ગાંધીનગરના કલેક્ટર અને નશાબંધી નિયામક એમ ચાર IAS ઓફિસરોનો સમાવેશ થનાર છે. આ કમિટીની કાર્ય 5દ્ધતિ, ફી સહિતના નિયમો હાલમાં તૈયાર થઈ રહ્યા છે.
વાર્ષિક રૂ. 185 કરોડની આવક, અનેકગણી વધશે
ગુજરાતમાં દારૂબંધીને કારણે સરકારના આવકના સ્ત્રોતમાં દાયકાઓથી નુકસાન થઈ રહ્યું છે. ગતવર્ષે નશાબંધી અને આબકારી વિભાગને એક્સાઈઝ ડયૂટી, ટ્રાન્સપોર્ટ ફી પેટે રૂ.185 કરોડની આવક થઈ હતી. ગિફ્ટમાં F-3ના લાઈસન્સ ઈસ્યૂ થતા નશાબંધી અને આબકારી સિવાય રાજ્ય સરકારને પોતાના ટેક્સ અર્થાત 65 ટકા વેટ તેમજ સર્વિસ ટેક્સ સહિતની મોટાપાયે આવક થશે.


