- રાહુલ દ્રવિડના ક્રિકેટ જગતમાં 3થી નામ
- રોહિતને આ રીતે મળ્યું હિટમેન નિકનેમ
- વિરાટના નિકનેમ પાછળ ફની ઇન્સીડન્ટ જવાબદાર
ક્રિકેટમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક ખેલાડીઓને મેદાન પર અને મેદાનની બહાર તેમના સાથી ખેલાડીઓ અન્ય નામથી બોલાવે છે. આની પાછળ ઘણી રસપ્રદ વાતો છે. આવી ઘણી સ્ટોરીઓ અને ઘટનાઓ છે જેના કારણે આ ખેલાડીઓને અલગ-અલગ નામથી બોલાવવામાં આવે છે.
ક્યારેક તેઓને તેમની ઈચ્છા મુજબ આ નામ મળે છે તો ક્યારેક તેઓ તેમની ઈચ્છા વિરૂદ્ધ પણ નિકનેમ મેળવે છે. ઉદાહરણ તરીકે, રાહુલ દ્રવિડ ભલે ક્રિકેટ જગતમાં ‘ધ વોલ’ અને ‘મિસ્ટર ડિપેન્ડેબલ’ તરીકે ઓળખાય, પરંતુ તેના સાથી ખેલાડીઓએ તેનું નામ જેમી રાખ્યું. વાસ્તવમાં, દ્રવિડે જામની જાહેરાત કરી હતી અને તે પછી તેના સાથી ખેલાડીઓએ તેનું નામ જેમી રાખ્યું હતું. તો ચાલો આજે અમે તમને આવા 3 ખેલાડીઓના ઉપનામો અને તેમની પાછળની રસપ્રદ કહાની વિશે જણાવીએ.
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાની જાતને સાબિત કરી છે. ટીમ ઈન્ડિયાના આ મહાન ખેલાડીને તેના સાથી ખેલાડીઓ ચીકુ કહે છે. આ નામ પાછળની વાર્તા નામ જેટલી જ રસપ્રદ છે. વાસ્તવમાં, આ નામ દિલ્હી અને મુંબઈ વચ્ચેની રણજી મેચ દરમિયાન વિરાટ કોહલીને આપવામાં આવ્યું હતું.
તે દિવસોમાં, વિરાટ કોહલીએ રમવાનું શરૂ કર્યું હતું અને હંમેશની જેમ, તે સમયે પણ તે આક્રમક અને ઉત્સાહિત બેટ્સમેન હતો. પરંતુ તે દિવસે તેની આક્રમકતાનું બીજું કારણ હતું અને તે હતું તેની નવી હેરસ્ટાઇલ. નવા હેરકટ પછી વિરાટ સ્પાઇકી હેર, લાંબા કાન અને ભરાવદાર ચહેરા સાથે મેદાનમાં ઉતર્યો તે કોચ અજિત ચૌધરીને ચંપક કોમિકના ચીકુ સસલાં જેવો દેખાતો હતો. આ કારણે અજિતે વિરાટને આ નામથી બોલાવ્યો અને ત્યારથી તેનું નામ ચીકુ પડી ગયું.
રોહિત શર્મા
રોહિત શર્મા એવા ભારતીય ખેલાડીઓમાંથી એક છે જે જ્યારે ફોર્મમાં હોય છે ત્યારે પોતાના વિરોધીઓની અડધી હિંમત ખતમ કરી નાખે છે. તે ભારતીય ટીમનો એવો સ્ટાર છે જે પોતાની જોરદાર અને આક્રમક બેટિંગથી વિરોધી ટીમના છક્કા છોડાવે છે. રોહિત શર્માને લોકો હિટમેન તરીકે પણ જાણે છે. 2013માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પોતાની બીજી બેવડી સદી ફટકાર્યા બાદ રોહિતને ઘણી તાળીઓ અને પ્રશંસા મળી, આ સાથે તેને એક નવું નામ પણ મળ્યું અને તે હતું હિટમેન. હવે મોટાભાગના રમતપ્રેમીઓ રોહિતને હિટમેનથી ઓળખે છે.

શિખર ધવન
શિખર ધવન ભારતીય ટીમના એવા ખેલાડીઓમાંથી એક છે જે માત્ર પોતાની રમત માટે જ નહીં પરંતુ પોતાની સ્ટાઈલ માટે પણ જાણીતો છે. તેની મૂછો સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગઈ છે. શિખરને તેના સાથી ખેલાડીઓ ગબ્બર કહે છે અને આ નામની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તમને શોલેનો ગબ્બર યાદ જ હશે. વાસ્તવમાં, જ્યારે ધવન ડોમેસ્ટિક મેચો રમતો હતો, ત્યારે તે ફિલ્ડિંગ કરતી વખતે તેની ટીમનું મનોબળ વધારવા માટે ગબ્બરના ડાયલોગ્સનો ઉપયોગ કરતો હતો અને ધીરે ધીરે આ તેની આદત બની ગઈ અને તેના કારણે તેનું નામ ગબ્બર પડ્યું. ધવનના કેટલાક મિત્રો તેને જાટ જી પણ કહે છે.

સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીને આખી દુનિયામાં તેમના ચાહકો ભારતીય ટીમના દાદા તરીકે ઓળખે છે, પરંતુ તેઓ ખૂબ જ સમૃદ્ધ પરિવારના હોવાથી તેમના પિતા ચંડીદાસ તેમને મહારાજા કહીને બોલાવતા હતા. પાછળથી, ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર સર જ્યોફ્રી બોયકોટે તેમને કોલકાતાનો પ્રિન્સ નામ આપ્યું. ગાંગૂલીએ જ્યારે લોર્ડસમાં ભારતની જીત સાથે શર્ટ ઉતારીને ઉજવણી કરી ત્યારથી બધા તેમને દાદા કહીને સંબોધવા લાગ્યા હતા. દાદાનો અર્થ મોટા ભાઇ એવો થાય છે.
જ્યારે પણ ભારતના સફળ કેપ્ટનની વાત થશે ત્યારે સૌરવ ગાંગુલીનું નામ ચોક્કસથી લેવામાં આવશે. ક્રિકેટ જગતમાં સૌરવ ગાંગુલીના ચાહકો તેને પ્રેમથી ‘દાદા’ કહીને બોલાવે છે. આ સિવાય સૌરવ ગાંગુલી ‘પ્રિન્સ ઓફ કોલકાતા’, ‘બેંગાલ ટાઇગર’, ‘લોર્ડ ઓફ ધ ઓફ સાઇડ’ જેવા નામોથી પણ ઓળખાય છે.


