- ઓક્ટોબર-નવેમ્બર 2031માં વર્લ્ડ કપ સાથે બંને પક્ષોનો કરાર સમાપ્ત થશે
- આ નવી ડીલ સાથે ICC અને કોકા-કોલા વચ્ચેની ભાગીદારી 13 વર્ષની થઇ જશે
- કોકાકોલાએ 2019માં આઇસીસી સાથે પ્રથમ ડીલ કરી હતી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને કોકા-કોલાએ પોતાની ભાગીદારી વધુ આઠ વર્ષ માટે લંબાવી છે. આઇસીસી અને કોકા-કોલા વચ્ચેની આ નવી ડીલ 2031 સુધી ચાલશે જ્યારે ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે. ICC અને કોકા-કોલા વચ્ચે થયેલો આ કરાર ICC અને કોઇ એક બ્રાન્ડ વચ્ચે થયેલો અત્યારસુધીનું સૌથી લાંબું જોડાણ છે. આ નવી ડીલ સાથે ICC અને કોકા-કોલા વચ્ચેની ભાગીદારી 13 વર્ષની થઇ જશે. કોકાકોલાએ 2019માં આઇસીસી સાથે પ્રથમ ડીલ કરી હતી. એટલાન્ટા સ્થિત આ બેવરેજીસ કંપનીએ 2019માં ICC સાથે ચાર વર્ષનો કરાર કર્યો હતો. બંને પક્ષો વચ્ચે થયેલા સોદામાં તમામ મેન્સ અને વિમેન ક્રિકેટ ઇવેન્ટ્સ સામેલ રહેશે, જેમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, આઇસીસી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ રહેશે. આ નવી ડીલ વિશે કોકા-કોલા કંપનીના બ્રેડફોર્ડ રોસે કહ્યું હતું કે, રમત-ગમત લોકોને એક કરવાની અમાપ શક્તિ ધરાવે છે અને આઇસીસી સાથેની આ ભાગીદારી અમને અમારી બ્રાન્ડના આકર્ષણને ક્રિકેટની રમત સાથે મિલાવવાની અમને તક આપે છે. અમે અમારા વૈવિધ્યતાપૂર્ણ પોર્ટફોલિયો મારફત અમારા ગ્રાહકોને આનંદિત કરવાનું ચાલુ રાખીશું અને પ્રસંશકો માટે અનોખા અનુભવનું સર્જન કરીશું.


