- અફઘાનિસ્તાન સિરીઝમાંથી હાર્દિક પંડ્યા બહાર
- 11થી 17 જાન્યુઆરી દરમિયાન રમાશે સીરીઝ
- સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન સૂર્યકુમાર પણ ઈજાગ્રસ્ત
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન થયેલી ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી તેની વાપસીને લઈને અટકળો ચાલી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા હતા કે તે IPL 2024 માંથી પણ બહાર થઈ શકે છે, જ્યારે કેટલાક અહેવાલોમાં તે અફઘાનિસ્તાન સીરીઝ પહેલા ફિટ થઈ જશે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાન સિરીઝમાંથી હાર્દિક પંડ્યા બહાર થઈ ગયો છે.
હાર્દિક નહીં રમે અફઘાનિસ્તાન સીરીઝ
ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સિરીઝમાંથી બહાર કરવામા આવ્યા છે. નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાનો ફોલો થ્રૂમાં પગ વળી ગયો હતો. આ પછી તેના પગની ઘૂંટીના લિગામેન્ટમાં ઇજા થઇ હતી. જોકે થોડા દિવસો પહેલા એવા અહેવાલો હતા કે, હાર્દિક પંડ્યા IPL 2024 માંથી બહાર થઈ જશે. પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે હાર્દિક ચોક્કસપણે અફઘાનિસ્તાન સીરીઝમાંથી બહાર થઈ ગયા છે, પરંતુ IPL સુધીમાં તે ફિટ થઈ જશે.
હાર્દિક પછી સૂર્યા પણ ઈજાગ્રસ્ત
હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી હતી. સાઉથ આફ્રિકાની સામે ચાલી રહેલી T20 સિરીઝમાં સૂર્યા પણ ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. જેનાથી તેનું પણ અફઘાનિસ્તાન સિરીઝમાં રમવું લગભગ અશક્ય છે. આવી પરિસ્થીતીમાં સવાલ એ છે કે આ અફઘાનિસ્તાન સામેની સીરીઝમાં ભારતીય ટીમની આગેવાની કોણ કરશે ? કેટલાક અહેવાલોમાં કેએલ રાહુલ કપ્તાની કરે તેવો દાવો થઇ રહ્યો છે તો કેટલાક કહી રહ્યા છે કે રોહિત શર્મા કેપ્ટન તરીકે વાપસી કરશે. રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2022 પછી T20 ઈન્ટરનેશનલ રમ્યો નથી. માટે રોહિતને આગામી T20 વર્લ્ડ કપ માટે BCCI દ્વારા કેપ્ટનશિપ માટે પ્રથમ પસંદગી તરીકે ગણવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છેકે આ સીરીઝ વર્લ્ડ કપ પહેલાની છેલ્લી સિરીઝ છે, તેથી રોહિત પરત ફરે તો નવાઈ નહીં.
કોણ બનશે કેપ્ટન?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ સિરીઝ 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ભારતમાં યોજાવાની છે. પ્રથમ મેચ મોહાલીમાં, બીજી ઈન્દોરમાં અને ત્રીજી બેંગલુરૂમાં યોજાવાની છે. આ સિરીઝ માટેની ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી. ભારતીય ટીમનો કેપ્ટન કોણ બનશે તે હજુ નક્કી નથી. રોહિતની જેમ વિરાટ કોહલી અને કેએલ રાહુલ પણ ટી-20 વર્લ્ડ કપ 2022થી રમ્યા નથી.


