- સામેનો વનડે રેકોર્ડ સુધારવા મેદાનમાં ઊતરશે
- પોતાના ઘરઆંગણે ઓસી. સામે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન સૌથી કંગાળ રહ્યું છે
- ભારતીય ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે
સતત બે ટેસ્ટ મેચમાં જીતથી ઉત્સાહિત ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારથી શરૂ થનારી ત્રણ વનડે મેચની સિરીઝમાં પોતાના હરીફ સામેના પોતાના રેકોર્ડમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ઇંગ્લેન્ડને રેકોર્ડ 347 રનથી હરાવ્યા બાદ વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 8 વિકેટે જીત મેળવી હતી. વનડે સિરીઝની તમામ મેચ વાનખેડે સ્ટેડિયમમાં જ રમાશે. ભારત આગામી મેચોમાં પોતાના વિજય અભિયાનને ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ સુકાની હરમનપ્રીતની ટીમ આ વાતે સારી રીતે વાકેફ હશે કે ઓસ્ટ્રેલિયાને હરાવવું સરળ નહીં રહે, જે વનડે ક્રિકેટમાં પહેલાથી જ દબદબો ધરાવે છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 50 વનડેમાં ભારતને માત્ર 10 મેચમાં જ જીત મળી છે જ્યારે 40માં તેનો પરાજય થયો છે. ઘરેલુ મેદાન પર ભારતનો રેકોર્ડ વધારે ખરાબ છે. ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 21 મેચ રમ્યુ છે તેમાં તે માત્ર ચાર મેચ જ જીત્યું છે જ્યારે 17માં તેનો પરાજય થયો છે. ભારતે ફેબ્રુઆરી 2007થી ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સાત મેચ રમી છે તેમાં તમામમાં તેની હાર થઇ હતી. ભારત 2012માં છેલ્લે વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે બે મેચ રમ્યુ હતું જેમાં તેનો 221 રન અને પાંચ વિકેટથી પરાજય થયો હતો. જોકે, હવે ભારત પાસે હરમનપ્રીતના રૂપમાં નવી કેપ્ટન અને અમોલ મજુમદારના રૂપમાં નવા કોચ છે. ભારત પાસે 2025માં યોજાનારા મહિલા વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવા અને ઓસ્ટ્રેલિયા સામે પોતાના રેકોર્ડને સુધારવાની તક રહેશે.
ભારતે ઓસી. સિરીઝ માટે ટીમમાં શ્રોયંકા પાટિલ, સૈકા ઇસાક, મન્નત કશ્ય અને ટિટાસ સાધુના રૂપમાં નવા ચહેરાને સ્થાન આપ્યું છે. ભારત તરફથી આ વર્ષે ત્રણ વનડેમાં જેમિમા રોડ્રિગ્સે સૌથી વધારે 129 રન કર્યા છે. જ્યારે ઓસી. માટે બેથ મૂનીએ 11 મેચમાં એક સદી અને બે અર્ધસદી સાથે 387 રન કર્યા છે.
ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપસુકાની), જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), ઋચા ઘોષ, અમનજોત કૌર, શ્રોયંકા પાટિલ, મન્નત કશ્યપ, સૈકા ઇશાક, રેણુકા સિંહ, ટિટાસ સાધુ, પૂજા વસ્ત્રાકાર, સ્નેહ રાણા, હરલીન દેઓલ.


