- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ
- આ મેચમાં વિરાટ કોહલી મોટી ઈનિંગ રમી શક્યો નહોતો
- વિરાટ કોહલી કગીસો રબાડાના બોલ પર કેચ આઉટ થયો
સેન્ચુરિયનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. આ પછી સવાલ ઉઠી રહ્યો છે કે શું કિંગ કોહલી ઓછી પ્રેક્ટિસને કારણે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે આનો રસપ્રદ જવાબ આપ્યો છે.ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે સ્પષ્ટપણે કહ્યું કે કારકિર્દીના આ તબક્કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વધુ પ્રેક્ટિસની જરૂર નથી.
કોહલીએ સાઉથ આફ્રિકાના ‘ટક્સ ઓવલ’ ખાતે રમાયેલી માત્ર ત્રણ દિવસીય ‘ઇન્ટ્રા-સ્કવોડ’ પ્રેક્ટિસ મેચમાં પણ ભાગ લીધો ન હતો. તેણે ઈંગ્લેન્ડમાં તેના પરિવાર સાથે સમય પસાર કરવા માટે ચાર દિવસની રજા માટે પહેલેથી જ મંજૂરી લઈ લીધી હતી.
કોહલી મોટી ઈનિંગ રમી શક્યો નહોતો
સેન્ચુરિયનની ઉછાળવાળી પીચ પર કોહલી સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે ફાસ્ટ બોલર કગિસો રબાડાના બોલ પર કેચ આઉટ થયો હતો. ભારતે વરસાદથી પ્રભાવિત પ્રથમ દિવસના અંતે આઠ વિકેટે 208 રન બનાવી લીધા હતા. રાઠોડે બે ટેસ્ટ મેચની સિરીઝના શરૂઆતના દિવસ બાદ કહ્યું, “વિરાટ કોહલીની કારકિર્દીના તબક્કે મને નથી લાગતું કે તેને વધુ પ્રેક્ટિસની જરૂર છે. તે ઘણી વખત બેટિંગ કરે છે અને ઘણી પ્રેક્ટિસ પણ કરે છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. આજે પણ અમે જોયું કે તે કેટલી સારી બેટિંગ કરી રહ્યો હતો. તેની ઇનિંગ્સ પરથી એવું લાગતું ન હતું કે તે લગભગ છ મહિના પછી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.”
કેએલ રાહુલ સંકટમોચન
કેએલ રાહુલે ફરી એકવાર ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું અને કોચે પણ સ્વીકાર્યું કે તે આ ટીમનો સંકટમોચન છે. તેણે કહ્યું, “રાહુલ અમારા માટે ટ્રબલ-શૂટર બની રહ્યો છે. તે ઘણી વખત ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યો છે. તે પોતાની ગેમ પ્લાનથી સ્પષ્ટ છે. તે સારા બોલને ડિફેન્ડ કરે છે અને ખરાબ બોલ પર આક્રમક શોટ રમે છે.


