- નકલી આધારથી સીમકાર્ડ-ફોન ખરીદી, ગૂગલ મેપથી ઘર નક્કી કરી, ગેંગ ચોરી કરતી હતી
- અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરુ, દિલ્હીમાં ચોરી બાદ સીમ-ફોન ફેંકી દેતા, દરેક ચોરીમાં નવા વાપરતા
- અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર અને દિલ્હીમાંથી થયેલી 16 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યા છે
ગુગલ મેપના ઉપયોગથી નકલી આધારકાર્ડ બનાવી, કી-પેડ મોબાઈલ ફોન અને સિમકાર્ડ ખરીદી નકલી ચૂંટણી કાર્ડ બનાવીને ઘરફોડ ચોરી કરવા સમગ્ર દેશમાં જુદાં જુદાં રાજ્યો અને શહેરોમાં ફરતી હાઈટેક આંતરરાજ્ય ગેંગના બે સાગરિતને અમદાવાદ ક્રાઈમબ્રાંચે ઝડપી અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર અને દિલ્હીમાંથી થયેલી 16 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યા છે. જે તે રાજ્ય કે શહેરમાં ઘરફોડ ચોરીઓની ઘટના આચર્યા બાદ આરોપીઓ મોબાઈલ ફોન, સિમકાર્ડ વેગેર ફેંકી દેતા હતા. તે પછી ફરીવાર ચોરી કરવાની યોજના બને ત્યારે ફરી બીજાના નામનું નકલી આધારકાર્ડ બનાવી નવો ફોન અને નવું સિમકાર્ડ લઈ ચોરી કરવા નીકળતા હતા.
પોલીસે ઝડપેલા અકબર ઉર્ફ ફીરોજ ઉર્ફ બાબુ સુલતાન રફીક સૈફી (ઉં,39) રહે, યુ.પી. અને રમેશ ઉર્ફ કાલુ બૈશાખીરામ ઓડ રાજપુત (ઉં,48) રહે દિલ્હીની ચોરીના દાગીના, બનાવટી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ છ મોબાઈલ ફોન મળીને કુલ રૂ.74,500ની મત્તા સાથે ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ નકલી આધારકાર્ડ બનાવી ચોરી કરવાની પોતાની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ કરતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પણ ચકમો ખાઈ ગયા કેમ કે, ગુનાઈત પ્રવૃત્તીના આરોપીઓ શહેરની કોઈપણ હોટલમાં રોકાય તો તેના નામ સરનામા આધારે તેઓની ઓળખ કરતું પથિક સોફ્ટવેર પણ આ આંતરરાજ્ય ગેંગના સાગરિતોને પકડવામાં નિષ્ફળ જાય તેવી તેમની એમઓ હતી. ગુગલ મેપમાંથી જે તે રાજ્યનો મેપ ખોલી આરોપીઓ ચોરી કરવા માટે જે તે સ્થળ પર પસંદ કરતા હતા. સ્થળ પસંદ કર્યા બાદ ગુગલમાં તે સ્થળનું નામ, પિનકોડ અને સરનામું વેગેર જોઈ બોલપેનથી લખી નકલી આધારકાર્ડ બનાવડાવતા જે આધારકાર્ડમાં ચોરી કરવા માટે જનારી ગેંગના સભ્યનો ફોટો અસલી રહેતો હતો. આરોપીઓએ અમદાવાદના મણિનગર, સેટેલાઈટમાં, દિલ્હીમાં મુખરજીનગર અને કાલકાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં આઠ ચોરી મળી કુલ 16 ચોરી આચર્યાની કબૂલાત કરી છે. આરોપીઓ ખાસ કરીને સ્વતંત્ર બંગલો કે ટેનામેન્ટમાં ચોરી કરવાનું ટાળી ફલેટને નિશાન બનાવતા હતા. અકબર ઉર્ફ ફીરોજ અગાઉ દિલ્હી, બેંગ્લોર અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના 26 ગુનામાં, રમેશ ઉર્ફ કાલુ ઘરફોડના 13 ગુનામાં દિલ્હી ખાતે પકડાઈ ચુક્યો છે.
બે હજારમાં નકલી આધાર કાર્ડ બનતું, બંને આરોપી માસા-ભાણિયો
પકડાયેલો આરોપી રમેશ ઉર્ફ કાલુ આરોપી અકબર ઉર્ફ ફીરોજનો સબંધમાં માસા થયા છે. અકબરે જેલમાંથી છૂટયા બાદ નકલી આધાર કાર્ડ બનાવી ચોરી કરવાની એમઓ તૈયાર કરી હતી. અકબરનો સાઢૂ શાદાબ નકલી આધાર કાર્ડ રૂ.બે હજારમાં બનાવી આપતો હતો. સૌથી વધુ ચોરીના ગુનામાં અકબરની માતા રબીયા પકડાઈ ચુકી હોવાની પણ વિગતો પોલીસને મળી છે.


