- સરકારી આવાસો ભાડે ચઢયાની ફરિયાદો ઊઠી
- જે અધિકારી કે કર્મચારી પકડાશે તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી નક્કી
- ઓચિંતુ ચેકિંગ પણ હાથ ધરશે
પાટનગરમાં આવેલા સરકારી આવાસો અર્થાત અધિકારી, કર્મચારીને રહેવા માટે ફાળવેલા મકાનો ભાડે ચઢાવી દેવાયાની ફરિયાદો ઉઠતા સરકારે વિભાગીય નિરીક્ષણ સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે. માર્ગ મકાન વિભાગમાં વસવાટના ઉપસચિવના અધ્યક્ષપદે રચાયેલી કમિટી સરકારી ક્વાટર્સમાં અચાનક રેડ કાર્યવાહી કરીને અનધિકૃત કબજેદારોને શોધશે. આવુ મકાન જેમને ફાળવાયેલુ હશે તે કર્મચારી તેમજ ભાડુઆત સામે શિસ્ત વિષયક કાર્યવાહી માટે સંબંધિત વિભાગને ભલામણ કરશે. ઉપરાંત અનઅધિકૃત ભોગવટો ધરાવનાર કર્મીને બ્લેકલિસ્ટ કરી તેની પાસેથી મૂળ ફાળવણીની તારીખથી માર્કેટ રેટ મુજબ ભાડું વસૂલ કરવા કાર્યવાહી થશે. માર્ગ મકાન વિભાગના સેક્શન અધિકારી એમ.આર.મછારની સહીથી બુધવારે પ્રસિધ્ધ પરીપત્રમાં કહેવાયુ છે કે, ગાંધીનગરમાં સરકારી આવાસોમાં અનધિકૃત કબજેદારો દ્વારા આવાસ ભોગવટાની અનેક ફરિયાદો મળી છે. આથી મહિનામાં એકવાર ફ્લાઈંગ સ્કવોડ જે પ્રકારે ઓચિંતુ ચેકીંગ કરે છે તેની ઉપર નિરીક્ષણ રાખવા તેમજ તેની જેમ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા ઉપસચિવ (વસવાટ) તેમજ એક સેક્શન અને બીજા ડેપ્યુટી સેક્શન એમ ત્રણ ઓફિસરોની કમિટી રચવામાં આવી છે. જે ફ્લાઈંગ સ્કવોડની કામગીરીની પણ ચકાસણી કરશે. તેની જે ઓચિંતુ ચેકિંગ પણ હાથ ધરશે. આવાસ અનઅધિકૃત રીતે સોંપનાર તથા ભોગવટો કરનાર સરકારી કર્મચારી કર્મચારી વિરૂધ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી માટેની ભલામણ કરશે. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાં સરકારી આવાસોમાં ભાડુઆતો ઘુસી ગયાની ફરિયાદો છતાંયે કોઈ કાર્યવારી થતી નથી.


