વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
રાજકોટ જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ સામંતભાઈ બાંભવાની અચાનક મુલાકાતમાં કામગીરીની ખામીઓ ખુલ્લી પડી; સુધારો ન થાય ત્યાં સુધી સતત ફોલોઅપની ખાતરી
અગ્ર ગુજરાત, વીરપુર
વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની કથળતી જતી સ્થિતિ અને દર્દીઓને પડતી હાલાકી અંગે સ્થાનિકોની વ્યાપક ફરિયાદોને પગલે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામંતભાઈ બાંભવા દ્વારા હોસ્પિટલની અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી.
સ્થાનિકોની મુખ્ય ફરિયાદ હતી કે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો નિયમિત હાજર રહેતા નથી અને નર્સિંગ સ્ટાફની પણ પૂરતી હાજરી હોતી નથી, જેના કારણે તાત્કાલિક સારવાર માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
મુલાકાત બાદ સામંતભાઈ બાંભવાએ જણાવ્યું કે નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થામાં કેટલીક સ્પષ્ટ ખામીઓ તથા ઉણપો જોવા મળી છે. સ્ટાફની ગેરહાજરી અને બેદરકારી અંગે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવશે. જ્યાં સુધી હોસ્પિટલમાં સુધારો નહીં આવે અને સમયસર સારવાર નહીં મળે ત્યાં સુધી સતત ફોલોઅપ ચાલુ રાખવામાં આવશે. વીરપુર જેવા પ્રસિદ્ધ યાત્રાધામમાં દર્દીઓને યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ડોક્ટર સહિતનો પૂરતો સ્ટાફ નિયમિત હાજર રહે તેવી સ્થાનિકોની મુખ્ય માંગણી છે.


