રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર
મરીન પીપાવાવ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં સેશન્સ કોર્ટનો નિર્ણય; વકીલ કે.બી. કામળીયાની દલીલો માન્ય રખાઈ
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા તાલુકાના નિગાળા-૧ ગામે બનેલી ચકચારી હત્યા અને અપહરણની ઘટનામાં સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસના મહિલા આરોપી કાજલબેન બટુકભાઈ મકવાણાની નિયમિત (રેગ્યુલર) જામીન અરજી રાજુલા સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
નિગાળા-૧ ગામે જીતુબેન નામના મહિલા પર અર્ટિકા કાર ચલાવી તેમની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. આ ઉપરાંત ફરિયાદી ભાવેશભાઈનું અપહરણ કરી તેમની સાથે ગંભીર મારામારી કરવાનો પણ આક્ષેપ હતો. આ સમગ્ર મામલે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ૪ મે ૨૦૨૬ના રોજ યોગેશ બાબુભાઈ મકવાણા સહિત કુલ ૯ આરોપીઓ સામે હત્યા, અપહરણ અને મારામારી સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપી કાજલબેન દ્વારા કરાયેલી જામીન અરજી પર સેશન્સ જજે બંને પક્ષોના વકીલોની દલીલો અને કેસની સ્થિતિને ધ્યાને રાખીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી કાજલબેન વતી રાજુલાના સિનિયર એડવોકેટ કે. બી. કામળીયા તથા એડવોકેટ વી. બી. ભીલ રોકાયા હતા.


