- જીનોમ સિકવન્સ સેમ્પલ ગાંધીનગર મોકલાયા
- 22 ડિસેમ્બરે યુવકને તાવ સાથે થઈ હતી શરદી, ખાંસી
- યુવકને સાત દિવસ કરાયો હતો હોમ આઈસોલેટ
વડોદરામાં JN.1નો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં જીનોમ સિકવન્સ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. યુવકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ છે. 22 ડિસેમ્બરે યુવકને તાવ સાથે શરદી, ખાંસી થઈ હતી. તથા યુવકને સાત દિવસ હોમ આઈસોલેટ કરાયો હતો.
ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ હાશકારો લીધો
ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ હાશકારો લીધો છે. તેમજ 26 વર્ષીય દર્દીની તબિયત સુધારા ઉપર છે. ગત 22 તારીખે 26 વર્ષના યુવાનને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી. જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના કેસની સંખ્યા વધીને 40 ઉપર પહોંચી ગઈ છે, ગુજરાતમાં ગત સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ 23 આસપાસ હતી, જે ગુરુવારે વધીને 66ને પાર થઈ ગઈ છે, આમ ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ચિંતા જેવું કંઈ નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિએન્ટના કયા શહેર જિલ્લામાં કેટલા કેસ આવ્યા તે વિશે રાજ્ય સરકારે ફોડ પાડયો નથી. ગુજરાતમાં જેએન.1 વેરિએન્ટના અત્યાર સુધીમાં 40 જેટલા કેસ આવ્યા છે, વધતાં કેસ વચ્ચે અલગ અલગ વેરિએન્ટ નવું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાની જરૂર જણાઈ રહી છે. નવા જેએન.1ના 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. અત્યારે જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે દર્દીનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે.


