- કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ ભગવાન વેંકટેશ્વના દર્શને
- કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરો
- છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 મૃત્યુ નોંધાયા
કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી સત્યપાલ સિંહ બઘેલ આંધ્રપ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, કોવિડ-19ના JN.1 સબ-વેરિયન્ટના કેસમાં વધારા થઈ રહ્યા છે. જેને નિયંત્રણમાં લેવા માટે તમામ રાજ્યોએ JN.1 કેસોનું સ્ક્રીનિંગ વધારવા માટે અપીલ કરી છે.
કેન્દ્રીય મંત્રી કહ્યું કે, અમે દેશમાં શાંતિ, સલામતી અને નાગરિકોના જીવનમાં સમૃદ્ધિ માટે ભગવાન બાલાજીને પ્રાર્થના કરી છે. આશા રાખીએ છીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થાય અને ભારતને વિશ્વ ગુરુ બનાવે. વધુમાં કેન્દ્રીય મંત્રી બઘેલે જણાવ્યું કે, હાલમાં ભારતમાં કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ભારતમાં ઓમિક્રોન સ્ટ્રેઈનના JN.1 સબ-વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યો છે તે જોતાં તેનાથી ગભરાવાની જરૂર નથી.
આ વાયરસ હળવો છે. તેનાથી બચવા માટે તકેદારી રાખવાની જરૂર છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજીને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારોને વધુ સ્ક્રીનીંગ કરવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું, કે નિવારણ હંમેશા ઉપચાર કરતાં વધુ સારું હોય છે. તેમણે કહ્યું કે, તમામ રાજ્યો સાવચેતી રાખે અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરે. આ નિયમોનું પાલન કરીને આપણે સૌ ઓમિક્રોન સ્ટ્રેઈનના JN.1 સબ-વેરિયન્ટને નિયંત્રિત કરી શકીશું.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કેસો
વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના – 19ના 692 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર કુલ સક્રિય કેસ 4 હજાર પાર પહોંચ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 મૃત્યુ નોંધાયા છે. જેમાંથી 2 મહારાષ્ટ્રમાં,1 દિલ્હી,1 કર્ણાટક, 1 કેરળ અને 1 પશ્ચિમ બંગાળમાં કોવિડથી મૃત્યુ નોંધાયા છે.


