- ગુનામાંથી નામ કાઢવા માગી હતી 5 લાખની લાંચ
- રકઝકને અંતે 2.5 લાખની રકમ નક્કી કરાઈ
- 1,80,000 મોબાઈલથી કર્યા ટ્રાન્સફર
હાલમાં એ.સી.બી દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા જિલ્લા પોલીસ તંત્રના જરોદ પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી રૂપિયા 70 હજારની લાંચ લેતા વચેટીયા ભરત જયશ્વાલને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ મળી ન આવતા તેની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની માહિતી અનુસાર, હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વહીવટદાર નિર્મલસિંહે તાજેતરમાં ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે ફરિયાદમાંથી નામ કાઢવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. જોકે, તડજોડના અંતે રૂપિયા 2.50 લાખ નક્કી થયા હતા.
આ પછી ફરિયાદીએ આરોપી રમેશ બિશ્નોઇનું ફરિયાદમાંથી નામ કાઢવા માટે નક્કી થયેલા રૂપિયા 2.50 લાખમાંથી રૂપિયા 1.80 લાખ તા.31.-12-023ના રોજ મોબાઇલ દ્વારા જરોદ પોલીસ મથકના વહીવટદાર નિર્મલસિંહના સાગરીત ભરત જગદીશચંદ્ર જયશ્વાલ ના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. અને બાકીના રૂપિયા 70 હજારનો તા.2-1-024ના રોજનો વાયદો કર્યો હતો.
ફરિયાદીએ વચેટીયાએ બતાવેલી જગ્યાએ એ.સી.બી.ના પી.આઇ. એ.એન. પ્રજાપતિ અને તેમનો સ્ટાફ વોચમાં ગોઠવાઇ ગયો હતો. દરમિયાન ફરિયાદી પાસેથી જરોદ પોલીસ મથકના વહીવટદાર નિર્મલસિંહના સાગરીત (વચેટીયા) ભરત જયશ્વાલે રૂપિયા 70 હજાર લેતાની સાથેજ વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો. વચેટીયો ઝડપાયા બાદ એ.સી.બી. એ લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.


