- ઉદિત રાજના નિવેદન પર મુખ્ય પૂજારીએ આપ્યો વળતો જવાબ
- મનુવાદ વાળા ટ્વિટ અંગે કોંગ્રેસને આપ્યો જવાબ
- કહ્યું કોંગ્રેસને જનતામાં રસ નથી
અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને પણ રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા વિપક્ષી નેતાઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે વિપક્ષના નેતાઓએ હજુ સુધી અયોધ્યા જવાને લઈને કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી. ત્યારે કોંગ્રેસના નેતા ઉદિત રાજે વિવાદિત ટિપ્પણી કરી હતી જે મામલે અયોધ્યાના મુખ્ય પૂજારીએ વળતો જવાબ આપ્યો છે.
કોંગ્રેસને રસ જ નથી જનતામાં – મુખ્ય પૂજારી
કોંગ્રેસના નેતા ઉદિત રાજના ટ્વિટ પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ મહારાજે કહ્યું કે પીએમ જે કરી રહ્યા છે તે ‘સબકા સાથ, સબકા વિકાસ’ છે. જ્યારે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવવા માંગે છે પરંતુ તેમને કોઈ સત્તા મળવાની નથી. કારણ કે જનતા પસંદગી કરે છે. પરંતુ કોંગ્રેસને તો જનતા સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ માત્ર વડાપ્રધાનની ટીકા કરવામાં જ વ્યસ્ત છે. આથી 2024માં ફરી એકવાર ભાજપની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે.
ઉદિત રાજે શું કરી હતી ટિપ્પણી
ઉદિત રાજે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહને લઈને પણ આડકતરી રીતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ લોકો (ભાજપ) દલિતો અને પછાત વર્ગોના અધિકારોનો વિરોધ કરે છે, તેમની નોકરીઓ ખતમ કરી નાખે છે અને તેમને વહીવટમાંથી બહાર ફેંકી દે છે. આ ‘મનુવાદ’ છે.” તેમજ ટ્વિટ પણ કરી હતી કે 500 વર્ષ પછી મનુવાદ પરત ફરી રહ્યો છે.


