- કલમ 370 ના નિર્ણય પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નિવેદન
- સુપ્રીમ કોર્ટના નિર્ણયની અયોગ્ય ઠેરવનારને આપ્યો જડબાતોડ જવાબ
- આ નિર્ણય બંધારણ અને કાયદા અનુસાર લેવામાં આવ્યો: ચંદ્રચુડ
ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ચંદ્રચુડે કહ્યું કે, આ નિર્ણય બંધારણ અને કાયદા અનુસાર લેવામાં આવ્યો છે.
આ નિર્ણય બંધારણ અને કાયદા અનુસાર લેવામાં આવ્યો: ચંદ્રચુડ
કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને તેની ટીકા પર તેમણે કહ્યું કે ન્યાયાધીશો તેમના નિર્ણયો દ્વારા તેમના મનની અભિવ્યક્તિ કરે છે, જે પાછળથી જાહેર સંપત્તિ બની જાય છે. સમાજમાં રહેતા લોકો તેમના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. અમે જે નિર્ણય લીધો તે બંધારણ અને કાયદા અનુસાર હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે હું સમજું છું કે આ નિર્ણયની ટીકા પર પ્રતિક્રિયા આપવી અથવા મારા નિર્ણયનો બચાવ કરવો મારા માટે યોગ્ય રહેશે નહીં. અમે અમારા નિર્ણયમાં જે કહ્યું છે તેના કારણો દસ્તાવેજોમાં સ્પષ્ટ રીતે લખેલા છે અને મારા માટે તેને ત્યાં છોડી દેવું વધુ સારું છે.
સમલૈંગિક લગ્નના નિર્ણય પર પણ વાત કરી
આ સાથે તેણે સમલૈંગિક લગ્નને મંજૂરી ન આપવાના નિર્ણયની પણ વાત કરી. તેમણે કહ્યું કે કોઈપણ કેસનું પરિણામ ક્યારેય જજ માટે વ્યક્તિગત હોતું નથી. તમને જણાવી દઈએ કે 17 ઓક્ટોબર 2023ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે સમલૈંગિક લગ્નની માંગને ફગાવી દીધી હતી. દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જ્યારે તમે કોઈ મામલામાં નિર્ણય લો છો, ત્યારે તમે તેના પરિણામથી પોતાને અલગ કરો છો. મને ક્યારેય કોઈ અફસોસ થયો નથી. કોઈ પણ કારણ સાથે પોતાની જાતને ક્યારેય ન જોડવી એ ન્યાયાધીશના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.


