- બજરંગ, સાક્ષી-વિનેશ સામે વિરોધ પ્રદર્શન
- જુનિયર રેસલર્સે જંતરમંતર ખાતે બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કર્યો
- સુરક્ષા કર્મચારીઓને પણ ભીડને કાબૂમાં રાખવા માટે મહેનત કરવી પડી હતી
ભારતીય રેસલિંગમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વિવાદમાં એક નાટકીય વળાંક આવ્યો છે. હવે મોટી સંખ્યામાં જુનિયર રેસલર્સ પોતાની કારકિર્દીનું એક મહત્ત્વપૂર્ણ વર્ષ બરબાદ થવા અંગે જંતરમંતર ખાતે એકત્ર થયા છે અને તેઓ આ માટે ટોચના રેસલર્સ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટને દોષિત ગણાવી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, હરિયાણા તથા દિલ્હીના વિવિધ ભાગમાં મોટી સંખ્યામાં જુનિયર રેસલર્સ આવી રહ્યા છે. સુરક્ષા કર્મચારીઓને પણ ભીડને કાબૂમાં રાખવા માટે મહેનત કરવી પડી હતી. આ રેસલર્સ બજરંગ, સાક્ષી અને વિનેશ સામે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. તેમણે વિવિધ બેનર્સ સાથે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતીય રેસલિંગ ફેડરેશને નવા અધિકારીઓની ચૂંટણી બાદ તરત જ નેશનલ અંડર-15 તથા અંડર-20 ચેમ્પિયનશિપ યોજવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ રમતમંત્રાલયે ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું હતું જેના કારણે આ ટૂર્નામેન્ટ પણ રદ થઈ હતી. પ્રદર્શન કરી રહેલા કેટલાક યુવાઓ પાસે છેલ્લી વખત જુનિયર લેવલે રમવાની તક હતી. ઉત્તરપ્રદેશથી મોટા ભાગના રેસલર્સ દિલ્હી પહોંચ્યા હતા.


