- વાઈબ્રન્ટ સમિટ પહેલાં જ ગુજરાતમાં ઘરના ઘંટી ચાટે જેવો ખેલ
- 2016ની IT- ITES પોલિસી હેઠળના એકમોને મદદ ન મળતા આંત્રપ્રિન્યોરમાં રોષ
- આ સંજોગોમાં પોલિસી મુજબ રાહત નહિ મળે તો રહ્યાસહ્યા એકમો બંધ થઈ જશે
ગુજરાતને ઈન્ફર્મેશનલ ટેકનોલોજી- IT સેક્ટરમાં ગ્લોબલ હબ બનાવવા થનગનતી રાજ્યની સરકારે વર્ષ 2019ની IT- ITES પોલિસી હેઠળ સબસિડી આપવાનું સતત ટાળે રાખ્યુ છે. આ કારણોસર IT સેક્ટરમાં નાનાપાયે સર્કિટ બોર્ડનું ઉત્પાદન કરતા MSME એકમોને ગળે ટૂંપો દેવાઈ રહ્યાની લાગણી ગુજરાતના ઉદ્યમીઓ, આંત્રપ્રિન્યોરમાંથી ઉદ્દભવી છે.
મુખ્યમંત્રી કાર્યલાયમાં આ મુદ્દે બુધવારે રજૂઆત કર્યા બાદ નાના ઉદ્યોગકારોના પ્રતિનિધીઓ એક તરફ વાઈબ્રન્ટ સમિટના નામે સરકાર બહારની મોટી IT કંપનીઓ માટે લાલ ઝાઝમ બિછાવી તેમને ફૂલડે વધાવે છે ત્યારે પહેલાથી પોલિસીથી આકાર્ષિત થઈને અહીં મૂડી રોકાણ કરીને રોજગારી વધારી તેવા સ્થાનિક ગુજરાતી ટેકનોક્રેટ, આંત્રપ્રિન્યોર રોકાણકર્તાઓ સાથે ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો જેવો ખેલ કર્યાની હૈયાવરાળ ઠાલવી હતી.
વર્ષ 2019ની IT- ITES પોલિસીમાં આંશિક ફેરફાર સાથે સરકારે વર્ષ 2022માં નવી પોલિસી જાહેર કરી હતી. આ પોલિસી અમલમાં મુકાઈ ત્યારથી જ વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ અને બ્યુરોક્રેટ્સમાં થતા વિપરીત અર્થઘટનોને કારણે તેનો વાસ્તવિક લાભ આ ક્ષેત્રના MSME યુનિટને થઈ શક્યો નથી ! જેથી રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ સરકાર માઈક્રોનને રૂપિયા પાંચ હજાર કરોડની રાહતો કે સબસિડી સ્વરૂપે લાભો આપવા તૈયાર છે પણ MSMEના 60થી વધુ IT એકમોને મળવાપાત્ર રૂ.50 કરોડની સબસિડીનું વિતરણ કરવામાં વર્ષોથી અનિર્ણિત હોવાનો બળાપો ઠાલવ્યો છે. 60થી વધારે એકમોએ વર્ષ 2016ની પોલિસી મુજબ છેલ્લા બે વર્ષમાં તમામ દસ્તાવેજો સબમિટ કર્યા બાદ હજી સુધી સબસિડીનો પ્રથમ હપ્તો પણ મળ્યો નથી. ઉદ્યોગકારોએ કહ્યુ કે, ફેરફાર સાથે 2022માં નવી પોલિસી અમલમાં આવ્યાના એક વર્ષ પછી અકળ કારણોસર DST, DIT, SLEC અને ઓડિટર્સ દ્વારા સબસિડીને પાત્ર હોવા છતાંયે નિર્ણય થતો નથી. 7 વર્ષમાં MSME એકમોથી 15 હજારથી વધારે રોજગારી સર્જાઈ અને રૂ.7,000 કરોડથી વધુ ફોરેક્સથી આવક થઈ છે. આ સંજોગોમાં પોલિસી મુજબ રાહત નહિ મળે તો રહ્યાસહ્યા એકમો બંધ થઈ જશે.


