- 1થી 2 ડિગ્રી લઘુતમ તાપમાન વધઘટ રહેશે
- 2 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી
- રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ રહેશે
રાજ્યમાં આજથી ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેમાં લોકોએ હજી પણ ઠંડીથી ઠુંઠવાવુ પડી શકે છે. તેમજ મોટાભાગના શહેરો અને ગામડાઓમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. ત્યારે આજે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વાતાવરણમાં કોઈ ફેરફાર ન જોવા મળે તેમ જણાવ્યું છે.
રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન ઘટશે
હવામાન વિભાગે જણાવ્યુ કે, આજે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 8.2 ડિગ્રી નોંધાયુ છે. ગુજરાતમાં પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં તથા દરિયાકાંઠે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.5, ગાંધીનગરમાં 13 ડિગ્રી નોંધાયુ છે. આ સાથે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 8.2 ડિગ્રી નોંધાયુ છે.
જ્યારે આગામી દિવસોમાં વરસાદ અંગેની વાત કરતાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, હાલના એક સપ્તાહમાં કોઇપણ સિસ્ટમ ફોર્મેશનની આશા નથી. આગામી પાંચ દિવસ વાતાવરણ સ્ટેબલ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોને લીધે રાજ્યભરમાં ઠંડીનું જોર રહેશે.
તેમજ જાન્યુઆરીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ રહેશે. જેની સાથે જ 2 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેની સાથે જ ગાંધીનગર 12થી 13 ડિગ્રી લઘુતમ તાપમાન રહેશે તેમ જણાવ્યું છે.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી
આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવ્યું કે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર અસર થશે. તેમજ અરબીસમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા છે. તથા 7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટાની શક્યતા છે. તેમજ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટા ફેરફાર થશે. આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે.


