- આજે 2 વાગ્યાથી ઓજસ પર ઓનલાઈન અરજી સ્વીકારાશે
- 30 જુન પહેલા પરીક્ષા અને ચાલુ વર્ષે જ નિમણૂક પત્રો અપાશે
- જે ઉમેદવાર પરીક્ષા આપશે, એમને જ ફી પરત મળશે
આજે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી સ્વીકારશે
સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે અગત્યના સમાચાર છે. ગુજરાત સરકારે બમ્પર ભરતીની જાહેરાત કરી દીધી છે. ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બોર્ડ દ્વારા કુલ 4304 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી દીધી છે. આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત આજે 2 વાગ્યાથી થશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરકરની ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી ફોર્મ ભરી શકાશે. મે અથવા જૂન 2024માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા યોજાઈ શકે છે.
ચાલુ વર્ષે જ નિમણૂક પત્રો અપાશે
મળતી માહિતી મુજબ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ભરતીની પ્રિલિમ પરીક્ષા 30 જૂન પહેલાં પૂણ કરી દેવામાં આવશે અને ઓગસ્ટ મહિનામાં વર્ણનાત્મક પરીક્ષા લેવાનું આયોજન કરેલ છે. અને પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને ચાલુ વર્ષે જ નિમણૂક પત્રો આપવાનું આયોજન કરવામાં આવશે.
ગ્રૂપ એ અને ગ્રૂપ બી ની સંયુક્ત પ્રિલિમ પરીક્ષા
વધુમાં હસમુખ પટેલે ઉમેર્યું હતું કે, ગ્રૂપ એ અને ગ્રૂપ બી ની સંયુક્ત પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. કુલ 17 કેડર માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્કની 2608 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. અને 169 જગ્યાઓ પર હેડ ક્લાર્કની ભરતી કરાશે, 210 જગ્યાઓ પર ઓફિસ આસિસ્ટન્ટની ભરતી.
ઉમેદવારે ફી ભરવાની રહેશે
હસમુખ પટેલે ઉમેદવારોને ટાંકીને કહ્યું હતું કે, ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો છેલ્લા દિવસની રાહ ન જુએ. સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો સત્વરે ઓનલાઇન ફોર્મ ભરી દેવા. ભરતી બોર્ડ દ્વારા આ ભરતીમાં ફીમાં ફેરફાર કરેલ છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે અને રિઝર્વ કેટેગરી માટે 400 રૂપિયાની પરીક્ષા ફી રાખવામાં આવી છે. આ પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા બેસશે નહીં તેમને ફી પરત મળશે નહીં. જે ઉમેદવાર પરીક્ષા આપશે છે તેમને જ પરીક્ષા ફી પરત આપવામાં આવશે. ઉમેદવારે પરીક્ષા ફી જે એકાઉન્ટમાંથી ભરી હશે તે એકાઉન્ટમાં જ પરત કરાશે.
નજીકનું પરીક્ષા કેન્દ્ર અપાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો કોઇપણ પ્રકારની લાલચ કે ભ્રમમાં ન આવે. આ ભરતી માટે પ્રિલિમ પરીક્ષા 100 માર્ક્સની રહેશે જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા રહેશે. ઉમેદવારોને નજીકનું પરીક્ષા કેન્દ્ર અપાય એવું આયોજન કરવામાં આવશે.
ઉમેદવારે 4304 જગ્યાઓ માટે ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે.


