- સાઉથ આફ્રિકા સામે ભારતીય ફાસ્ટ બોલરોનો ધમાકો
- બુમરાહે એક પછી એક વિકેટ એમ 6 વિકેટ ઝડપી હતી
- બુમરાહે 9મી વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી
સાઉથ આફ્રિકા સામે ભારતીય ફાસ્ટ બોલરોનો ધમાકો થયો છે. પ્રથમ દાવમાં આફ્રિકન બેટ્સમેનો મોહમ્મદ સિરાજની સામે બેટિંગ કરવામાં અક્ષમ જોવા મળ્યા હતા. બીજી ઈનિંગ દરમિયાન પરિસ્થિતિમાં વધુ ફેરફાર થયો ન હતો અને આ વખતે જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે ધમાકો કર્યો હતો. દિવસની રમત શરૂ થતાં જ બુમરાહને પહેલી જ ઓવરમાં સફળતા મળી હતી. તેણે બડિંગહામને આઉટ કર્યો. આ પછી, તેની સફળતાનો ગ્રાફ સતત વધતો રહ્યો અને તેણે આફ્રિકન બેટ્સમેનોને આઉટ કરવાનુ ચાલુ રાખ્યું. બુમરાહે એક પછી એક વિકેટ એમ 6 વિકેટ ઝડપી હતી.
બુમરાહે બનાવ્યો રેકોર્ડ
બુમરાહે પોતાની તોફાની બોલિંગથી તબાહી મચાવી હતી અને આફ્રિકાના 6 બેટ્સમેનોને આઉટ કરીને પેવેલિયન પરત મોકલી દીધા હતા. બુમરાહે 9મી વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાની ધરતી પર તેણે ત્રીજી વખત આવું કર્યું છે. બુમરાહ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં 2-2 વખત પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા અને ભારતમાં એક વખત 5 વિકેટ પણ લીધી છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે તે સમય સાથે વધુ ઘાતક બની રહ્યા છે.
જસપ્રીત બુમરાહની ટેસ્ટ કરિયર
સમાચાર લખાય છે ત્યાં સુધી જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ માટે 32 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 61 ઇનિંગ્સમાં 21.29ની એવરેજથી 139 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટ સિવાય, બુમરાહના નામે ODIની 88 ઇનિંગ્સમાં 23.55ની એવરેજથી 149 વિકેટ છે અને T20ની 61 ઇનિંગ્સમાં 19.66ની એવરેજથી 74 વિકેટ છે.
માર્કરમની સદી
માર્કરમ તેની અડધી સદી બાદ વધુ તેજ દેખાતો હતો અને તેણે ફોર અને સિક્સ મારવાનું ચાલુ રાખ્યું હતું. તેણે બુમરાહના બોલ પર સતત બે ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. માર્કરમે એકલા છેડેથી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. માર્કરમ દરેક વખતે તક શોધતો જોવા મળ્યો હતો અને રન બનાવવાની એક પણ તક છોડતો નહોતો.


