- ‘પ્લાસ્ટિકના પ્રતિબંધ મુદ્દે નોટિફિકેશન બહાર પાડયું છે’
- પ્લાસ્ટિકથી થતી ગંદકી અટકાવવાનો પ્રયત્ન ચાલુ: કલેક્ટર
- ગિરનાર પર્વત અંગે HC માં ક્લેક્ટરનો જવાબ
ગિરનાર પર્વત પર પ્લાસ્ટીકના ઉપયોગ અટકવવા મુદે થયેલી PIL પર રાજ્યની હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં ગિરનાર કલેકટરનો જવાબ રજુ કરવામાં આવ્યો છે. એફિડેવિટ જૂનાગઢ ડેપ્યુટી કલેકટર, જંગલ સંરક્ષક અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ફાઈલ કરી હતી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, જૂનાગઢ કલેકટરે CRPCની કલમ-144 અંતર્ગત જાહેરનામું બહાર પાડીને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ અગાઉ કોર્ટે કહ્યું હતું કે, ડિસ્પોઝેબલ વસ્તુઓ પણ પર્યાવરણ માટે હાનિકારક છે. જે સંદર્ભે સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા વિભાગને પાણીની એક મોટી ટેન્ક બનાવવા કહ્યું છે. જેમાંથી આસપાસના દુકાનદારો 20 લિટરના કન્ટેનરમાં પાણી ભરીને ગિરનારના પગથિયાઓ ઉપર યાત્રાળુઓને પાણી વેચી શકશે. હવેથી પર્યટકો ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિક લઈ જઈ શકશે નહિ. આ માટે હોમગાર્ડને ચેકીંગ માટે રાખવામાં આવશે.
જ્યારે આ મામલે અરજદાર અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, ભારત સરકારના વર્ષ 2012ના પરિપત્ર મુજબ આ વિસ્તાર ઇકો સેન્સેટીવ ઝોન છે. ગીર અભ્યારણ્યમાં જેવા નિયમો અહી પણ પાળવા જોઈએ. કોઈપણ વ્યક્તિ અભ્યારણ્યમાં પ્લાસ્ટિક બોટલ કે બેગ લઈ જઈ શકતો નથી. ઉપરાંત પરિપત્ર મુજબ ગિરનાર ઇકો સિસ્ટમ ઝોન મોનીટરીંગ કમિટી બનાવી નથી. આ કમિટીના ચેરમેન જિલ્લા કલેકટર હોય છે.
નોંધનીય છેકે અગાઉની સુનવણીમાં સરકારે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા રીઝોલ્યુશન કર્યું છે. કોર્ટે કહ્યું હતું કે, એમ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવાથી કાઈ નહિ થાય પણ પ્લાસ્ટિકનો વિકલ્પ આપો. ગુજરાત વૈકલ્પિક ઉપાયો આપવા જાણીતું છે. તેમ ગિરનારમાં પ્લાસ્ટિક મુદ્દે વિકલ્પ આપો. સરકારે કાચની બોટલ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.


