- 78 લાખના દારુના જથ્થા સાથે 5 બુટલેગર ઝડપાયા
- 13 વાહનો સહિત 1.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
- પોલીસે 3 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી
1.24 કરોડનો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનીટરીંગ સેલે વડોદરામાં લાખ્ખોનો દારુનો જથ્થો કબ્જે કર્યો. સ્ટેટ મોનિટરીંગ સેલે રૂ. 78 લાખના દારુ સાથે 5 બુટલેગરની ધરપકડ કરી હતી. આજવા રોડના સરદાર એસ્ટેટ અને શ્રી હરી એસ્ટેટમાં દારુના કટીંગ પર રેડ કરી હતી. 13 વાહનો સહિત 1.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે 3 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
બાતમીને આધારે, આજવા રોડ પર સરદાર એસ્ટેટ નજીક આવેલા શ્રીહરિ એસ્ટેટમાં પ્લોટ નંબર સાત-બી અને આઠ-એ વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં ઈંગ્લિશ દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. બાતમીને આધારે સેલે રેડ કરતાં ટ્રકમાંથી દારુનો જથ્થો ઉતારીને નાના મોટા વાહનોમાં ભરીને બુટલેગરો લઈ જતાં હતા. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતા સ્થળ પર દારુનો જથ્થો લેવા આવેલા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડામાં વાહનો અને 78 લાખના દારૂનો જથ્થો મળીને કુલ 1.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 5 બુટલેગરોની ધરપકડ કરી હતી.
મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલે દારુની હેરાફેરીની એક ટ્રક, ટેમ્પો, અમુલ દૂધનો ટેમ્પો, બોલેરો પિકઅપ અને કાર કબજે કર્યા હતા. બુટલેગર સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી, મુકેશ નારાયણદાસ માખીજાની,ચિરાગ દિલીપ દરબાર,અજય ભીખા રાઠોડ, સોનુ હરદયાલ કોળીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઈંગ્લિશ દારુનો જથ્થો મંગાવીને કટિંગ કરાવનાર વડોદરાના કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી સહિત બાકીના વાહનના ડ્રાઈવરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય એ બનાવટી ઈંગ્લિશ દારુની 700 થી વધુ પેટી ઝડપી પાડી હતી. જેમાં ટ્રક સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


