- બાડમેરનું યુવા દંપતી ભાડે મકાન રાખી ડ્રગ્સનું વેચાણ કરતું હતું
- જગદીશ બિશ્નોઈ, વિજયારાજે પાસેથી 97 ગ્રામ હેરોઇન, 53 ગ્રામ અફીણનો રસ જપ્ત
- અફીણના રસ સાથે રાજસ્થાનના દંપતીને ઝડપી લેવાયું છે
પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા અંજાર તાલુકાના મેઘપર(બો) ખાતે દરોડો પાડીને રૂ.1,12,20,809ની કિંમતના હેરોઇન તથા અફીણના રસ સાથે રાજસ્થાનના દંપતીને ઝડપી લેવાયું છે. ઝડપાયેલા આરોપી જગદીશ બિશ્નોઈ અને તેની પત્ની વિજયારાજે સાંચોરનાં સંજય બિશ્નોઈ નામના શખ્સ પાસેથી માદક દ્રવ્યો લાવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખૂલ્યુંં છે.
અંજાર તાલુકાના મેઘપર(બોરીચી) ગામના પુરુષોત્તમ નગરમાં પાંચેક માસથી ભાડે રહેવા આવેલા રાજસ્થાનના બાડમેરના રહેવાસી 35 વર્ષીય જગદીશ ગંગાવિશન બિશ્નોઈ અને તેની 30 વર્ષીય પત્ની વિજયારાજે માદક દ્રવ્યોનું છૂટક વેચાણ કરતાં હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રવિવારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. જે દરોડામાં આરોપીના મકાનમાં ફરિઝ પર રાખેલા કાપડના કવરમાંથી પ્લાસ્ટિકની ચાર નાની પડીકીમાં રાખેલ 97.960 ગ્રામ હેરોઇન ઉપરાંત એક પડીકીમાં 5308 રૂપિયાનો 53.09 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની પ્રાથમિક તપાસમાં આરોપી દંપતી રાજસ્થાનના સાંચોર ખાતે રહેતાં સંજય બિશ્નોઈ નામના શખસ પાસેથી માદક પદાર્થોનો જથ્થો ખરીદી લાવીને નાની નાની પડીકીમાં છૂટક વેચાણ કરતું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે દંપતી ઉપરાંત સંજય બિશ્નોઈ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ તળે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.


