- 36 ઉદ્યોગપતિઓ સહિત 80 લોકોનું પ્રતિનિધી મંડળ આવશે
- સરકારી અધિકારીઓ પણ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેશે
- ઓસ્ટ્રેલિયાની 5 યુનિવર્સિટીના પ્રતિનિધીઓ પણ ભાગ લેશે
વાઈબ્રન્ટમાં વિવિધ દેશો દ્વારા રોકાણ કરવામાં આવી શકે છે. જેમાં UAE દેશના રાષ્ટ્રપતિથી લઈ વિવિધ દેશના રાષ્ટીય નેતાઓ આ સમિટમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચી રહ્યા છે. આ વચ્ચે વાઈબ્રન્ટ ગુજરાતના સૌથી વધુ રોકાણ ઓફિશિયલ કન્ટ્રી પાર્ટનર તરીકે ઓસ્ટ્રેલિયા રહેશે તેવી વિગતો સામે આવી રહી છે.
ઓફિશિયલ કન્ટ્રી પાર્ટનર એટલે એવા દેશો જેમાં સૌથી વધુ રોકાણ અથવા તો સૌથી વધુ વેપારની તકો સમિટમાં ભાગ લેવા માટે આવી રહી હોય છે. ઓસ્ટ્રેલિયાનું 36 વ્યાપારિક અને 80 પ્રતિનિધિઓનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવી રહ્યું છે અને તે વિવિધ મુદ્દાઓ સાથે વેપાર કરવા માટે તૈયાર થયું છે.
આ પ્રતિનિધિમંડળમાં ન્યુ સાઉથ વેલ્સ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડના સરકારી અધિકારીઓ પણ હાજર રહી રહ્યા છે. જેની સાથે જ પાંચ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના સરકારી પ્રતિનિધિઓ પણ વેપાર અને રોકાણની તકો માટે ગુજરાત આવી રહ્યા છે. આ પ્રકારે સૌથી મોટું રોકાણ કરનાર ઓસ્ટ્રેલિયા બની શકે છે.
આ સાથે જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 200 કંપનીઓના સીઇઓ પણ આવવાના હોવાથી તેમની પણ તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. જે સીઇઓ આવવાના છે તેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના, 125 જેટલી સીઇઓ ભારત અને ગુજરાતની કંપનીઓના મળીને કુલ 200 જેટલા સીઇઓએ વાઈબ્રન્ટમાં આવવા માટેનું કન્ફર્મેશન આપ્યું છે.
આ ઉપરાંત ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સીંગાપુર, ફિલિપાઇન્સ, ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા, જર્મની, રિપબ્લિક ઓફ કોરિયા, નેધરલેન્ડસ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે. જેની સાથે જ વિવિધ કંપનીઓના અધિકારીઓ પણ હાજર રહેશે તેવી વિગતો સામે આવી રહી છે.


