- રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાની અર્થવ્યવસ્થામાં આવશે પરિવર્તન
- દર મહિને 2 કરોડ શ્રદ્ધાળુઓ, ભક્તો, મુસાફરો અયોધ્યા આવવાની અપેક્ષા
- અયોધ્યાને વાર્ષિક 55 હજાર કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ: પર્યટન મંત્રી
અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિર અને રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ અહીની અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. એક અનુમાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દર મહિને 2 કરોડ જેટલા પ્રવાસીઓ અને ભક્તો અયોધ્યા આવશે. જો દરેક પ્રવાસી અહીં ઓછામાં ઓછા બે-અઢી હજાર રૂપિયાનો પણ ખર્ચ કરે છે તો તેનાથી અયોધ્યાને વાર્ષિક 55 હજાર કરોડ રૂપિયાની આવક થશે.
પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભવ્ય રામ મંદિરના નિર્માણથી અયોધ્યા સહિત આસપાસના 6 જિલ્લાઓની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવશે. તેનાથી હોટલ, ટેક્સી, રેસ્ટોરન્ટ, હેન્ડીક્રાફ્ટ, કાપડ વેપારીઓ વગેરે જેવા વ્યવસાયમાં રોકાયેલા ધંધાર્થીઓની આવક અને રોજગારમાં વધારો થશે. પર્યટન વિભાગ અયોધ્યામાં 588 કરોડ રૂપિયા અને ધર્માંથ કામ વિભાગ 936 એમ કુલ 1524 કરોડ રૂપિયાના ખર્ચે પાયાની સુવિધાઓ, વિકાસ, કુંડ-મઠ, મંદિર રિનોવેશન વગેરેનું કામ પૂરું કરી રહ્યું છે. જેમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
પર્યટન મંત્રીએ કહ્યું કે અમે અયોધ્યા આવતા દરેક પ્રવાસી-શ્રદ્ધાળુને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડીશું. તેમને દર 500 મીટરે પીવાનું પાણી, વિશ્રામ સ્થળ, ટીન શેડ, શૌચાલય, સાઈનેજ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ મળશે. તેમણે વધુમાં કહ્યું કે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે રાજ્યના 5 કરોડ ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાની સમિતિ લોકોને પ્રેરિત કરી રહી છે. આની સંખ્યા હજુ પણ વધી શકે છે.
તેમણે કહ્યું કે રામોત્સવ અંતર્ગત રાજ્યભરમાં 8000 રજિસ્ટર્ડ કલાકારો અને અયોધ્યામાં 35 હજાર કલાકારો 14 જાન્યુઆરીથી 24 માર્ચ દરમિયાન પોતાની કલાનું પ્રદર્શન કરશે. 8 જાન્યુઆરીથી અયોધ્યામાં રામકથા વગેરે કાર્યક્રમો શરૂ થયા છે. 14મીથી સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો શરૂ થશે. આ ક્રમમાં શ્રી રામચરણ પાદુકા યાત્રા 15 જાન્યુઆરીએ ચિત્રકૂટથી શરૂ થશે. જે રામ વન ગમન પથ પરથી પસાર થશે અને 19 જાન્યુઆરીએ અયોધ્યાના નંદી ગામ ખાતે સંપન્ન થશે.
કાશી જેવી ભવ્ય આરતી બનશે આકર્ષણનું કેન્દ્ર
જયવીર સિંહે કહ્યું કે કાશી જેવી ભવ્ય અયોધ્યામાં અમે સરયૂના કિનારે આરતીનું આયોજન કરીશું અને ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું. આ માટે સંબંધિત લોકોને તાલીમ આપવામાં આવી રહી છે. આ આરતી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે ઉમેર્યું કે અયોધ્યાને ભવ્ય, દિવ્ય અને અલૌકિક બનાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે એસપી ઓફિસની બહાર આરાધ્ય ભગવાન શ્રી રામના હોર્ડિંગ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રામના નામ પર રાજકારણ ન થવું જોઈએ. ભગવાન રામ દરેક કણમાં વિરાજમાન છે. કોઈપણ ભારતીય જે તેમને પોતાનો આદર્શ માને છે તેમણે આ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ.
આ બાબતો પણ બની રહેશે ખાસ
- અયોધ્યાથી અમદાવાદની ઈન્ડિગોની ફ્લાઈટ 11 જાન્યુઆરીથી શરૂ થશે
- હોમ સ્ટે માટે ઓયોએ 750 રૂમ પ્રોજેક્ટ કર્યા છે ઓનલાઈન બુકિંગ થશે
- નેપાળ, કંબોડિયા, સિંગાપુર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અયોધ્યામાં પોતાના ગેસ્ટ હાઉસ ખોલશે, જમીન માટે કરી માંગ
- 158 નવી હોટલ માટે પ્રાઈવેટ કંપનીઓની પ્રપોઝલ આવી, સબસિડી આપવામાં આવશે
- અનૂપ જલોટા, કૈલાશ ખેર, અનુરાધા પૌડવાલ, એઆર રહેમાન, સોનુ નિગમ વગેરે ભજનો રજૂ કરશે.
- સરયુમાં સાંસ્કૃતિક કળા નૌકા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તેમ સાંસ્કૃતિક જૂથો પરફોર્મ કરશે


