શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
શિક્ષકોની ઘટથી છાત્રોના અભ્યાસને અસર : વિવિધ પ્રશ્નોની ફરીથી સરકારમાં રજૂઆત કરતુ શૈક્ષિક મહાસંઘ
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાતના પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, પ્રાથમિક સંવર્ગના પ્રાંત અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, પ્રાથમિક સંવર્ગના મહામંત્રી પરેશભાઈ પટેલ (ગાંધીનગર), પ્રાથમિક ગ્રાન્ટેડ સંવર્ગના મહામંત્રી જગદીશભાઈ બારીઆ, સંગઠન મંત્રી મિલનભાઈ પટેલ તેમજ માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સમક્ષ શિક્ષકો તથા શિક્ષણહિતના અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોને લઈને વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી.
પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલ, કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક સાથે રૂબરૂ મુલાકાત કરીને વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી અને આવશ્યક રજૂઆતો કરી.
વર્ષ-2004ની વિદ્યાસહાયક ભરતી તેમજ ટેકનિકલ કારણોસર ભરતી પ્રક્રિયામાં થયેલા વિલંબના કારણે અસરગ્રસ્ત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને અન્ય તમામ કર્મચારીઓ-શિક્ષકોને Old Pension Scheme (OPS)નો લાભ આપવા રાજ્ય કક્ષાએથી તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરવામાં આવી. વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક તથા વહીવટી સહાયક તરીકે ફિક્સ પગાર દરમિયાન બજાવેલી સેવાને સ્વૈચ્છિક નિવૃત્તિ સમયે ગણતરીમાં લેવા રજૂઆત કરવામાં આવી.
મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતીમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને Pay Protectionનો લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. શિક્ષણ વિભાગની GES Class-1, GES Class-2 તથા TPEO ભરતીમાં ₹4200 ગ્રેડ પે ધરાવતા પ્રાથમિક શિક્ષકોને લાયક ગણવા રજૂઆત કરવામાં આવી, તા. 31/07/2026ના સેટઅપ મુજબ વધ પડતા જ્ઞાન સહાયકોને નવી ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષકોની ઘટ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં તાત્કાલિક ધોરણે મુકવાની માંગ કરવામાં આવી.
નવી HTAT બઢતી ભરતીમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી અસરગ્રસ્ત શિક્ષકોને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી. પ્રાથમિક ગ્રાન્ટેડ સંવર્ગમાં જુના શિક્ષકો તથા HTAT મુખ્ય શિક્ષક ભરતી સંબંધિત નિયમોમાં જરૂરી સુધારા કરીને ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના વિવિધ પ્રશ્નોના યોગ્ય અને વહેલા નિરાકરણ માટે પણ રજૂઆત કરવામાં આવી. મુલાકાત દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સંત શ્રી રવિદાસજીની 600મી જન્મજયંતિ નિમિત્તે પ્રકાશિત વિશેષ પુસ્તક તમામ માનનીય મંત્રીઓ અને અધિકારીઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું.


