- કો-ઓપરેટિવ મેજરે દુબઈમાં વેરહાઉસ શરૂ કર્યું
- નોન ડેરી પ્રોડક્ટ્સનો શેર 10% વધારવાનો અમૂલનો ટાર્ગેટ
- આમાં મોટાભાગે આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વધારવા ઉપર ફેકસ છે
દેશની સૌથી મોટી ડેરી કો-ઓપરેટિવ અમૂલ આવતા બે વર્ષમાં પોતાની કેપેસિટી વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવતા 2 વર્ષમાં અમુલ ગુજરાત સહીત દેશના અન્ય ભાગોમાં નવા પ્લાન્ટ બનાવશે અને સાથે જ હાલના પ્રોસેસિંગ અને પ્રોડક્શન એકમોનું પણ એકસ્પાન્શન કરવાની યોજના ધરાવે છે. અમૂલના ઓફિસિયલના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સ માટે અંદાજે રૂ. 15,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સાઈડલાઈનમાં વાત કરતા કહ્યું હતું કે, દૂધ સહિતની ડેરી પ્રોડક્ટ્સની ડિમાંડ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને અમે આવતા 2 વર્ષ માટે વિસ્તરણ યોજના બનાવી છે. અમુલ નવા પ્લાન્ટ બનાવવા અને વર્તમાન પ્લાન્ટના એકસ્પાન્શન માટે આગામી બે વર્ષમાં અંદાજે રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે. આમાં મોટાભાગે આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વધારવા ઉપર ફેકસ છે.
મહેતાએ જણાવ્યું કે, હાલ અમારા ટોટલ બિઝનેસમાં નોન-ડેરી પ્રોડક્ટ્સનો હિસ્સો 5%ની આસપાસ છે. અમે આ શેર વધારીને 10% થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. અમૂલ અત્યારે નોન ડેરી પ્રોડક્ટ્સમાં ખાદ્યતેલ, મધ, ઘઉંનો લોટ, દાળ જેવી વસ્તુઓ બનાવે છે. દેશની સાથે વિદેશમાં પણ અમુલ વિસ્તરણ કરી રહ્યું છે. અમુલે થોડા સમય પહેલા દુબઇમાં તેની પ્રોડક્ટના વેચાણની શરૂઆત કરી છે અને તેના માટે એક વેરહાઉસ સેટઅપ કરવામાં આવ્યું છે. દુબઈ અને તેની આસપાસના વિસ્તારમાં અમૂલદર મહિને અંદાજે રૂ. 20 કરોડની પ્રોડ્કટનું વેચાણ કરે છે.


