- 2 કલાક માટે ફ્લાવર શોમાં એન્ટ્રી બંધ રાખવામાં આવી
- બોમ્બ સ્કવોડ અને પોલીસ કાફલો ફ્લાવર – શૉ પહોંચ્યો
- PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થઈ હતી શરૂઆત
વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદને મળેલી વધુ એક સિદ્ધિને વધાવવા માટે પહોંચ્યા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના ફ્લાવર શોને સ્થાન મળ્યા બાદ વડાપ્રધાન મોદી તેની મુલાકાત માટે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી VVIP ગેટ નંબર 5થી ફ્લાવર શોમાં એન્ટ્રી કરી રહ્યા છે. જ્યાં તેમની સાથે તેમનો સુરક્ષા કાફલો પણ હાજર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાતે લેવા પહોંચ્યા. વડાપ્રધાન મોદીના પહોંચવા પહેલા સુરક્ષાના પગલે પોલીસનો કાફ્લો ફ્લાવર શો પર પહોંચ્યો છે. તેમજ બોમ્બ સ્કોવડથી લઈ સુરક્ષા ટીમ પણ ફ્લાવર શો પર પહોંચી છે. અચાનક વડાપ્રધાનનો રૂટ બદલાતા પોલીસ કામે લાગી હતી. પીએમ મોદી રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો પહોંચશે. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જોકે, ફ્લાવરશો જાહેર જનતા માટે બંધ કરાયો છે.

ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ ફ્લાવર શો પહોંચ્યા હતા. જેમાં AMC મેયરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને AMC કમિશ્નર હાજર રહ્યા હતા. નોંધનીય છેકે, વડાપ્રધાન મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ફલાવર શો શરૂ થયો હતો. આ વર્ષે સી.એમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફલાવર શો શરૂ કરવામાં આવ્યો હતો.

હાલમાં માત્ર સુરક્ષા કર્મચારીઓ, મેયર પ્રતિભા જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કેશવ કુમાર ફ્લાવર શોમાં હાજર છે.
મુલાકાતીઓ માટે વિશેષ વ્યવસ્થા
ખાસ કરીને ફ્લાવર શો જોવા માટે આજે જે લોકોએ ટિકિટ લીધી છે અને વડાપ્રધાનની મુલાકાતને પગલે ફ્લાવર શો બંધ કરવામાં આવ્યો છે ત્યારે આવતીકાલે પણ આજની ટિકિટ ઉપર મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળી શકશે.


