- હાર્દિક વસાવા નામના યુવાનનું મોત
- અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે
- પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હાલ રાજ્યમાં વિવિધ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગામોડ ગામ નજીક ધૂમ સ્ટાઈલમાં બાઇક ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક પૂરપાટ ઝડપે આવતું હોવાનું પણ સામે આવ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, નર્મદાના તિલકવાડામાં મહીજીપુરા ના રહેવાસી હાર્દિક વિષ્ણુભાઇ વસાવા તેની બાઇક પુરઝડપે હંકારી ગમોડ ગામના પેટ્રોલપંપની સામે રોડ ઉપર કોઈ કામ માટે આગળ જતા હતા. તે દરમિયાન તેનું બાઈક પર કાબૂ ન રહેતા ટ્રેક્ટરની ટોલીના પાછળના ભાગે અથડાઈ હતી. બંને યુવકો રોડ ઉપર ફંગોળાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં 20 વર્ષીય હાર્દિક વિષ્ણુભાઈ વસાવાનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ મેહુલ કનૈયાભાઇ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી.
તેમજ ગંભીર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે કે બાઈકચાલકે પૂરઝડપે બાઈક ચલાવી સ્ટ્રિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડામ દઈને અથડાય છે. આ બનાવમાં હાર્દિક વસાવાનું એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ સવાર મેહુલભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે. યુવકના મોતથી પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને તિલકવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


