- નાના વરાછા ઢાળ બ્રીજ પર બની ઘટના
- ટુ વ્હીલર પર યુવતીને પતંગનો દોરો આડે આવ્યો
- યુવતી ટુ વ્હીલર પરથી નીચે પટકાઈ
ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે લોકોનો પતંગના દોરાથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આ વચ્ચે સુરતમાં નાના વરાછા બ્રિજ ઉપરથી એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે એકાએક પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ મહિલા એક્ટિવા પરથી નીચે પટકાતા આસપાસના લોકો દોડી ગયા હતા અને યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી. જ્યાં હાજર ડૉક્ટોરની ટીમે યુવતીને મૃત જાહેર કરી હતી.
આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં મોટા વરાછા ખાતે આવેલ અમૃત રેસિડેન્સીમાં રહેતા 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મર સાંજે એક્ટિવા લઈને મેઇન રોડથી નાના વરાછા ઢાળ બ્રીજ ઉપરથી જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક પતંગના કાતિલ દોરીથી તેમનું ગળું કપાઇ જતા તેઓ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા.
જે પછી યુવતીને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ દોરીના કારણે યુવતીનું 70%થી વધુ ગળું કપાઈ ગયું હતું. જે પછી યુવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ વધુ પ્રમાણમાં લોહી વહી જવા મોતને ભેટી હોવાની વિગતો સામે આવી રહી છે. યુવતીના કમકમાટી ભર્યા મોતને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.


