- મહારાષ્ટ્રના નાસિકની જુનિયર કોલેજ બસનો અકસ્માત
- બસ ચાલકે બેફામ બસ ચલાવી બે અકસ્માત સર્જ્યા
- પોલીસે અડધી રાત્રે વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી
આજે વહેલી સવારે અઢી વાગે નવસારીમાં કોલેજના વિદ્યાર્થીઓની બસનો અકસ્માત થયો હતો. બસ ચાલકે એક સાથે બબ્બે અકસ્માત સર્જતા વાંસદા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
બસ ચાલકે બબ્બે વાર અકસ્માત કર્યો
ઘટનાની વિગતો એવી છે કે, મહારાષ્ટ્રના નાશિકમાં આવેલી જુનિયર કોલેજના વિદ્યાર્થીઓની બસના ચાલકે વાંસદાના ઉનાઈમાં બબ્બે અક્સ્માત કર્યા હતા. ઉનાઈ હાઇવે પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પ્રવાસી વિદ્યાર્થી ભરેલી બસ ડમ્પર પાછળ અથડાવી દીધી હતી.
ઉનાઈ રેલવે સ્ટેશને દુકાનમાં બસ ઘુસાડી
ત્યારબાદ પાર્કિગમાં જતી વેળાએ ઉનાઈ રેલ્વે સ્ટેશન તરફના વળાંક પાસે ડ્રાઈવરે બસને દુકાનમાં અથડાવી હતી. અકસ્માતમાં દુકાનની દીવાલ તૂટતાં દુકાનમાં સુતેલા બે લોકો કાટમાળમાં દબાયા, જ્યારે બે શિક્ષકો અને ત્રણ વિદ્યાર્થીઓને પણ સમાન્ય ઈજાઓ થવા પામી હતી. દુકાનના કાટમાળમાં દબાયેલા ઘાયલોને ગ્રામજનોએ બહાર કાઢી સારવાર અર્થે ખસેડયા હતા.
અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને વાંસદા પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. વાંસદા પોલીસે અડધી રાત્રે કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી 53 લોકો માટે રહેવાની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હતી. પોલીસે કોલેજને જાણ કરી બીજી બસ મંગાવી, વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રવાના કર્યા.


