- સુરતીઓએ રાતે ઉંધિયુ-જલેબીની મિજબાની કરી
- વડીલો-યંગસ્ટર્સે પતંગ ચગાવી ડાન્સ-ગરબા કર્યા
- મોડી રાત સુધી લોકોએ પતંગ ચગાવ્યા હતાં
ઉત્તરાયણ હજી પુરી નથી થઈ. સુરતીઓએ ઉત્તરાયણની મોડી રાત સુધી ઉજવણી ચાલુ રાખી છે. સુરતીઓએ ધાબે ચડીને ડીજેના તાલે ડાન્સ કર્યો હતો અને રાત્રે પણ પતંગ ચગાવીને ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.
સંયુક્ત પરિવારના સભ્યો સાથે મળી ઉજવણી કરી
મળતી માહિતી મુજબ, સુરતમાં અનેક વિસ્તારોમાં લોકોએ ઉત્તરાયણની મોડીરાત સુધી ઉજવણી કરી હતી. સુરતના વાડી ફળિયા વિસ્તારમાં એક સંયુક્ત પરિવારના સભ્યોએ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જેમાં પરિવારના નાનેરા, યુવાન-યુવતીઓ, મોટેરા અને વડીલોએ સાથે મળીને ઉત્તરાયણની ઊજવણી કરી હતી અને બધાએ સાથે મળીને પંગત ચગાવ્યા હતા.
ડી.જે વગાડી ગરબા કર્યા
પરિવારે સાથે મળીને ડી.જે. ના તાલે ડાન્સ કર્યો હતો અને ગરબા વગાડીને સૌ કોઈ ગરબે ઝુમ્યા હતા અને નવરાત્રી જેવા માહોલ બનાવી દીધો હતો. સુરતીઓએ મોડી રાત સુધી ટેરેસ પર ડાન્સ અને ગરબા કર્યા હતાં. સુરતીઓએ રાત્રે પતંગની સાથે તુક્કલ ચગાવીને ઉત્તરાયણની ઊજવણી કરી હતી.
ઉંધિયું-જલેબીની મિજબાની કરી
સુરતના લોકોએ આ ઉત્તરાયણ પર મન મુકીને પગંતો ચગાવી હતી અને એ સાથે જ ઉંધિયુ – જલેબીની જયાફત પણ માણી હતી. તેમજ શેરડી, ચીક્કી અને લાડુ ખાઈને ઉત્તરાયણ ઊજવી હતી.
ઉત્તરાયણને યાદગાર બનાવી
સુરતમાં લોકોએ ઉત્તરાયણને આ વર્ષે મન મુકીને માણી હતી. લોકોમાં અનેરો ઉત્સાહ હતો. સુરતમાં આકાશી પેચ લડાવવા માટે લોકએ અનેક રંબેરંગી પતંગો ચગાવી હતી અને ઉત્તરાયણની મજા માણી હતી. ખંભાતી પતંગ, પાવલો પગંત તેમજ ઢાલ અને ફુગ્ગા ચગાવી લોકોએ આ ઉત્તરાયણને યાદગાર બનાવી હતી.


