- નકલી આધાર અને ચૂંટણી કાર્ડ બનાવીને કોલેજમાં પહોંચ્યો
- યુવક હાથમાં બંગડી અને ડ્રેસ પહેરીને પરીક્ષા આપવા પહોંચ્યો
- યુનિવર્સિટીને જાણ થતાં પોલીસ બોલાવીને કાયદેસરની કાર્યવાહી કરી
પંજાબમાં એક યુવક તેની પ્રેમિકાનો વેશ ધારણ કરીને પરીક્ષા આપવા પહોંચી ગયો હતો. યુવકે હાથમાં બંગડીઓ પહેરી હતી અને કપાળમાં બિંદી લગાવીને તેની પ્રેમિકાનો વેશ ધારણ કર્યો હતો અને પરીક્ષા આપવા પહોંચી ગયો હતો. ફરીદકોટમાં અંગ્રેજ સિંહે નકલી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને પોતે પરમજીત કૌર હોવાનું સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. સદનસીબે તેની આ યોજના ફૂલપ્રૂફ લાગતી હતી.
7 જાન્યુઆરીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા હતી
મળતી માહિતી મુજબ, પંજાબના ફરીદ કોટમાં એક પરીક્ષા કેન્દ્રમાં તેની ગર્લફ્રેન્ડની નકલ કરીને અધિકારીઓને ફસાવવાનો એક યુવકનો પ્રયાસ હાસ્યજનક પુરવાર થયો હતો. બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા ડીએવી પબ્લિક સ્કૂલ, કોટકપુરા ખાતે 7 જાન્યુઆરીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા લેવામાં આવી હતી. ફાઝિલ્કાના અંગ્રેજ સિંહે તેની ગર્લફ્રેન્ડ પરમજીત કૌરના વેશમાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું અને હાથમાં લાલ બંગડીઓ, કપાળ પર બિંદી, હોઠ પર લિપસ્ટિક અને મહિલાના કપડાં પહેરીને અંગ્રેજ સિંહ પરીક્ષા આપવા પહોંચી ગયો હતો.
કેવી રીતે પકડાયો અંગ્રેજ સિંહ
યુનિવર્સિટી સત્તાવાળાઓને શંકા જતાં પોલીસ બોલાવી
યુનિવર્સિટીના સત્તાવાળાઓને અંગ્રેજ સિંહના નકલી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ વિશે અંદાજો આવી ગયો હતો. જેથી યુનિવર્સિટી સત્તાવાળાઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અંગ્રેઝ સિંહે નકલી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને પરમજીત કૌર હોવાનું સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો જેમાં તે મહદ અંશે સફળ પણ રહ્યો હતો પરંતુ જ્યારે તેના ફિંગરપ્રિન્ટ્સ બાયોમેટ્રિક ઉપકરણ પર મૂકવામાં આવ્યાં ત્યારે હકીકતમાં સાચા ઉમેદવારની સાથે મેચ કરવામાં નિષ્ફળ ગયો હતો. આ સ્થિતિને જોતાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ પરમજીત કૌરની અરજી ફગાવી દીધી હતી.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
તે સાથે અંગ્રેજ સિંહ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસે અંગ્રેજ સિંહને કસ્ટડીમાં લીધો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, શું અંગ્રેજ સિંહે આ પહેલા અન્ય કોઈની પરીક્ષા આપી હતી કે કેમ?


