- તેંડુલકરનો ફેક વિડિયો બનાવીને જાહેરાત માટે ઉપયોગ કરાયો
- આ વીડિયોનો ઉપયોગ એક ગેમિંગ એપ દ્વારા કરવામાં આવ્યો
- સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ મામલે જાણ કરી
ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્યારેય ક્રિકેટના મેદાન પર કે મેદાનની બહાર ગુસ્સામાં જોવા મળ્યા નથી. સચિનનું શાંત અને સરળ વર્તન ઘણીવાર તેની સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જોવા મળે છે. પરંતુ સોમવારે સચિન તેંડુલકરે X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વાસ્તવમાં, એક ગેમિંગ એપ દ્વારા સચિનના એક ઇન્ટરવ્યુ વીડિયોનો નકલી વીડિયો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે પૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
સચિન તેંડુલકરના અન્ય વીડિયોનો ઉપયોગ એક ગેમિંગ એપ દ્વારા કરવામાં આવ્યો છે. સચિન તેંડુલકરનો આ વીડિયો કોઈ અન્ય ઈન્ટરવ્યુનો છે. પરંતુ આ એપ ખોટા પ્રમોશન માટે તેને મ્યૂટ કરી અને સચિનના અવાજમાં ડબ કરીને તેનો દુરુપયોગ કર્યો. આ વીડિયોની નીચે સબ ટાઇટલ પણ લખવામાં આવ્યા હતા. સચિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ સમગ્ર મામલે એક પોસ્ટ લખી અને લોકોને એલર્ટ કરીને પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો.
સચિન તેંડુલકરે શું કહ્યું?
સચિન તેંડુલકરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે. ટેક્નોલોજીનો આ રીતે ઉપયોગ કરવો બિલકુલ ખોટું છે. આપ સૌને વિનંતિ છે કે જો તમે આવા વિડીયો કે એપ કે જાહેરાતો જુઓ તો તરત જ તેની જાણ કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પણ સાવધાન રહેવું જોઈએ અને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જોઈએ. આ સંદર્ભમાં તમારી ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ખોટી માહિતી અને સમાચારને અટકાવી શકાય અને ડીપફેક્સના દુરુપયોગને સમાપ્ત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડીપફેકનો મામલો ખૂબ જ ગરમ બન્યો હતો. આ મુદ્દે ભારે ચર્ચા જાગી હતી. આ મુદ્દો બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંધાનાના નકલી વીડિયો અને તેની તસવીરના દુરુપયોગ બાદ ઉભો થયો હતો. હવે સચિન તેંડુલકર પણ તેની જાળમાં ફસાઈ ગયો, જો કે તે ડીપફેક નહોતો પરંતુ તેના વીડિયોનો દુરુપયોગ હતો.


