- ઘર મેરે આયા હૈ રામ રામૈયા ગીત યુ-ટ્યુબ પર રજૂ કરશે
- મરે ઘર કા કોના, રામ નામ સે જગમગ રિલીઝ થઈ ગયું છે.
- રામ સિયા રામ 16.9 કરોડ વખત જોવાઈ ગયું છે
અયોધ્યા રામ મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે સમાચાર સામે આવી રહ્યાં છે કે, બોડીગાર્ડ ફિલ્મના ગીતો લખનાર ગીતકાર શબ્બીર અહેમદ રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 2 ગીતો રજૂ કરશે. ગીતકાર શબ્બીર અહેમદે બોડીગાર્ડ અને કેજીએફ: ચેપ્ટર 2 જેવી ફિલ્મો માટે ગીતો લખ્યા છે, તે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા બે ભક્તિ ગીતો રજૂ કરશે.
બે ભજન ગીતો રિલિઝ કરશે યુ-ટ્યુબ પર
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ લોકો હાજર રહેશે. બોલિવૂડ ગીતકાર અને સંગીતકાર શબ્બીર અહેમદ આ અઠવાડિયે યુટ્યુબ પર ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને ‘ઘર મેરે આયા હૈ રામ રામૈયા’ શીર્ષકવાળા બે ‘ભજન’ ગીતો રિલીઝ કરશે. તે પહેલા જ ‘મેરે ઘર કા કોના, રામ નામ સે જગમગ હૈ’ રિલીઝ કરી ચૂક્યો છે.
‘રામ સિયા રામ’ ગીતે રેકોર્ડ બનાવ્યો
મુંબઈ સ્થિત ગીતકાર અહેમદે પીટીઆઈને કહ્યું કે, ‘આ ભજનો દ્વારા હું મારી ભાવના પ્રગટ કરું છું અને અયોધ્યામાં બહુપ્રતિક્ષિત રામ મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી રહ્યો છું. ગયા અઠવાડિયે મેં યુટ્યુબ પર જે ભજન રજૂ કર્યું. તે હેમંત તિવારી સાથે સંયુક્ત રીતે લખાયેલું હતું. તેને માત્ર પાંચ દિવસમાં 35 લાખ વાર જોવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ભગવાન રામ પરનું બીજું એક મધુર ભજન ‘રામ સિયા રામ’ 16.9 કરોડ વખત જોવામાં આવ્યું છે અને તેણે રેકોર્ડ બનાવ્યો છે.
ભગવાન રામ પ્રેરણા સ્ત્રોત
અહેમદે કહ્યું કે, તેઓ ખુશ છે કે આખરે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે, જે તેમના વતન જૌનપુરની નજીક છે અને તેમણે કહ્યું, ‘બોલિવૂડમાં મારી કારકિર્દીની શરૂઆતથી, હું ભક્તિ ગીતો લખી રહ્યો છું અને કંપોઝ કરું છું અને મને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ભગવાન રામ મારા પ્રેરણા સ્ત્રોત છે અને મેં જે પણ સફળતા મેળવી છે તેનો શ્રેય તેમને જાય છે. મને અયોધ્યા જઈને ત્યાં મારા ભજનો રજૂ કરવામાં આનંદ થશે.
રામલીલાના કાર્યક્રમોમાં પરફોર્મ કરતાં
પોતાને ‘રામ ભક્ત’ ગણાવતા અહેમદે કહ્યું કે, તે બાળપણમાં જૌનપુરમાં રામલીલાના કાર્યક્રમોમાં પરફોર્મ કરતો હતો. 2021ની ફિલ્મ ‘ભવાઈ’ની ‘મોહે રામ રંગ દે’ અને ‘સિયાપતિ રામચંદ્ર’ને ટાંકીને ગીતકારે કહ્યું કે મુસ્લિમ હોવાને કારણે તે ભગવાન રામને ‘ઇમામ-એ-હિંદ’ માને છે.
બોલીવુડની અનેક ફિલ્મોમાં ગીતો લખ્યાં
અહેમદે સલમાન ખાનની ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યા છે, જેમાં ‘બોડીગાર્ડ’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ અઠવાડિયે રજૂ થનારા બે ભજનો અંગે અહેમદે જણાવ્યું હતું કે, ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને ‘ઘર મેરે આયા હૈ રામ રામૈયા’ને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને અભિષેક સમારોહ પહેલા રિલીઝ કરવામાં આવશે.


