- લખનઉના એશબાગ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક
- કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઇ દુકાં આઇ
- મૈં ઘર મેં સબ સે છોટા થા મેરે હિસ્સે મેં મા આઇ
કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઇ દુકાં આઇ, મૈં ઘર મેં સબ સે છોટા થા મેરે હિસ્સે મેં મા આઇ. આ શબ્દો દ્વારા અમર થઇ જનારા લોકપ્રિય શાયર મુનવ્વર રાણા હવે આપણી વચ્ચે નથી. ઉર્દૂના મશહૂર શાયર રાણા આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. રવિવારે મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમણે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. તેઓ 71 વર્ષના હતાં. અહેવાલો અનુસાર રાણા પાછલા ઘણા મહિનાઓથી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતાં અને પીજીઆઈ હોસ્પિટલમાં જ તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. મુનવ્વર રાણા એક મશહૂર ઉર્દૂ કવિ હતા અને તેમણે અનેક લોકપ્રિય ગઝલો લખી છે. બેબાક અને નિર્ભય બયાનબાજી તેમની કવિતાઓમાં પણ ઝલકે છે. રાણા ઉત્તરપ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં પણ સક્રિય હતાં. તેની પુત્રી સુમૈયા અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની સમાજવાદી પાર્ટીની સભ્ય છે. શાયરના પરિવારમાં તેની પત્ની, ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. તેમને લખનઉની નદવા કોલેજમાં નમાજ-એ-જનાજા બાદ એશબાગ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરાયા હતા. શાયરના નિધનના સમાચારથી ઉર્દૂ સાહિત્ય જગત અને તેના ચાહકોમાં ઊંડા શોકની લાગણી પ્રસરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ રાજકીય નેતાઓએ પણ શાયરને શ્રાદ્ધાંજલિ અર્પી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમણે ઉર્દૂ સહિત કવિતાના ક્ષેત્રમાં મોટું પ્રદાન આપ્યું હતું.


