- જગતના નાથના આંગણે રૂડો અવસર : કોરિડોરમાં આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે
- 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કોરિડોરનું પુરીના રાજા અને ઓડિશાના સીએમ ઉદ્ઘાટન કરશે
- પુરી ટાઉનમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગ પણ બનાવાયું
હિન્દુ ધર્મના ચાર ધામ પૈકી એક એવા ઓડિશાના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથપુરી ધામમાં શ્રાદ્ધાળુઓની સુવિધા માટે પરિક્રમા કોરિડોર તૈયાર કરાયો છે. અહીં બહેન સુભદ્રાજી અને મોટા ભાઇ બલભદ્રજી સાથે બિરાજતા જગતના નાથના દર્શને રોજ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ અને રથયાત્રાના આયોજનમાં સુગમતા માટે 9 રેસ્ટરૂમ, પીવાના પાણીની સુવિધા, બે ઇન્ફર્મેશન-કમ-ડોનેશન કિઓસ્ક, ત્રણ મિની ક્લોક રૂમ, પોલીસ કિઓસ્ક, ઓપન એર ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ અને લીલોતરી સાથેના કોરિડોરનું નિર્માણ કરાયું છે. 17 જાન્યુઆરીએ પુરીના રાજા ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ તથા ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક આ કોરિડોર શ્રાદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકશે. 800 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત કોરિડોર માટે 4.88 એકર ખાનગી જમીનનું શ્રી જગન્નાથજી મહાપ્રભુના નામે સંપાદન કરાયું, જેમાં 445 દુકાનો, 30 લોજ તથા 19 મઠના ઓછા-વત્તા ભાગનો સમાવેશ થાય છે.
ઉપરાંત સમગ્ર પરિક્રમા કોરિડોરના નિર્માણની આડે આવતા 49 દબાણ દૂર કરાયા અને 659 ફેરિયાઓને રિલોકેટ કરાયા છે. ‘શ્રી મંદિર પરિક્રમા પ્રકલ્પ’ તરીકે ઓળખાતો આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો થયો છે. નવેમ્બર, 2021માં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયું હતું. પુરી ટાઉનમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગ પણ બનાવાયું છે.
ઓડિશાના અન્ય યાત્રાધામોને પણ વિકસાવાશે
સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર જગન્નાથપુરી ધામનો શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટ ઓડિશાના યાત્રાધામોના જીર્ણોદ્ધાર/કાયાપલટ માટેનો સૌપ્રથમ પ્રોજેક્ટ છે. આવનારા સમયમાં મંદિરો તેમજ અન્ય ધર્મોના સહિતના ધાર્મિક સ્થળોને પણ તબક્કાવાર વિકસાવાશે. ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરી ધામમાં દુનિયાભરના શ્રાદ્ધાળુઓ આવતા હોય છે. અહીંની 9 દિવસ લાંબી રથયાત્રામાં પણ આસ્થાનો મહેરામણ જોવા મળતો હોય છે. હવે પરિક્રમા કોરિડોરના નિર્માણ સાથે પુરી આવતા શ્રાદ્ધાળુઓની સંખ્યામાં હજુ વધારો થઇ શકે છે.


