- અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી થઈ શકે બાઈડેન-ટ્રમ્પની ટક્કર
- ડોનાલ્ડ ટ્રમ્પના આયોવા જીત્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિની ટિપ્પણી
- જો બાઈડેન સાથે મારી ટક્કર થાય છે તો હું મોટી જીત મેળવીશ: હેલી
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર માનવામાં આવતા નિક્કી હેલીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ રિપબ્લિકન પાર્ટીના મતદારોની એકમાત્ર આશા છે, જે ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે થનાર સંભવિત ટક્કરને રોકી શકે છે. નિક્કી હેલીએ કહ્યું છે કે ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી એક દુઃસ્વપ્ન સમાન હશે અને એકમાત્ર તેઓ જ તેને ટાળી શકે છે. આયોવા કોકસના પરિણામો ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં આવ્યા બાદ નિક્કી હેલીએ આ વાત કહી છે.
આયોવા કોકસની ચૂંટણી જીત્યા ડોનાલ્ડ ટ્રમ્પ
15 જાન્યુઆરીના રોજ આયોવા કોકસની ચૂંટણી થઈ જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત મળી છે. આ ચૂંટણીમાં નિક્કી હેલી ત્રીજા સ્થાને રહી છે અને તેમણે 20 ટકા વોટ મળ્યા છે. તો બીજા ક્રમે રોન દેસાંતિસ રહ્યા જેમને 21 ટકા વોટ મળ્યા હતા. તો, ડોનાલ્ડ ટ્રમ્પ 50 ટકા વોટની સાથે સૌથી આગળ રહ્યા હતા. તો, વિવેક રામાસ્વામીને માત્ર 7.7 ટકા જ મત મળ્યા હતા જેના બાદ રામાસ્વામીએ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડવાની જાહેરાત કરી દીધી હતી.
અમેરિકન જનતાને હેલીએ કર્યા સતર્ક
પોતાના સમર્થકોને સંબોધતા નિક્કી હેલીએ કહ્યું કે, ‘અમારું અભિયાન જ એકમાત્ર આશા છે જે ટ્રમ્પ-બાઈડેનના દુઃસ્વપ્નને રોકી શકે છે. જો ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે ફરી એકવાર ચૂંટણીમાં ટક્કર થશે તો, આ વખતે પણ તે નજીકની હરીફાઈ હશે અને તેમ કોઈ પણ જીતી શકે છે. ચૂંટણીમાં દખલગીરીના વિવાદો સામે આવશે. જો બાઈડેન ફરીથી જીતી શકે છે અને કમલા હેરિસ રાષ્ટ્રપતિ બની શકે છે. એવામાં, માત્ર ભગવાન જ આપણને બચાવી શકે છે. નિક્કી હેલીએ દાવો કર્યો હતો કે ‘જો તેમની અને બાઈડેન વચ્ચે ચૂંટણી હરીફાઈ થાય છે, તો તેઓ મોટી જીત મેળવશે અને 70 ટકા અમેરિકનો નથી ઇચ્છતા કે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે ફરીથી રાષ્ટ્રપતિ પદની ટક્કર થાય.’
વધી રહી છે નિક્કી હેલીની લોકપ્રિયતા
રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના દાવેદારોમાં નિક્કી હેલી એકમાત્ર મહિલા છે અને તાજેતરના સમયમાં તેમની લોકપ્રિયતામાં ખાસ્સો વધારો થયો છે. તેમને આયોવા કોકસમાં પણ સારો ટેકો મળ્યો અને હવે તમામની નજર 23 જાન્યુઆરીએ ન્યુ હેમ્પશાયરમાં અને ત્યારબાદ સાઉથ કેરોલિનામાં યોજાનારી કોકસ પર છે. 51 વર્ષીય નિક્કી હેલીએ 77 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ અને 81 વર્ષીય જો બાઈડેનની વૃદ્ધાવસ્થા પર પણ નિશાન સાધ્યું અને બંનેની આર્થિક નીતિઓની ટીકા કરી હતી.


