- કોરિયા 0.001 mm સુધી પણ દખલ કરશે તો ઉશ્કેરણી ગણાશે
- દક્ષિણ કોરિયા કિમ જોંગ ઉન સામે જવાબી કાર્યવાહીની ક્ષમતા ધરાવે છે
- ઉત્તર કોરિયા પાસે મોટી સંખ્યામાં પરમાણુ મિસાઈલો હોવાનો અંદાજ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર દક્ષિણ કોરિયાને ધમકી આપી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું છે કે જો દક્ષિણ કોરિયા તેમના દેશના એક મિલિમીટરથી ઓછા વિસ્તારમાં ઉલ્લંઘન કરશે તો તેને યુદ્ધ માટે ઉશ્કેરણી ગણવામાં આવશે. તેમણે કહ્યું, “જો દક્ષિણ કોરિયા અમારી જમીન, પાણી અને હવામાં 0.001 mm સુધી પણ દખલ કરશે તો અમે તેને યુદ્ધ માટે ઉશ્કેરણી તરીકે જોશું.” કિમે વધુમાં કહ્યું કે, “જો અમને ઉશ્કેરવામાં આવશે તો અમારી સરકાર બંને દેશો વચ્ચેની દરિયાઈ સીમા (ઉત્તરીય મર્યાદા રેખા)ને માન્યતા નહીં આપે.”
દક્ષિણ કોરિયા પણ જવાબ આપવા માટે તૈયાર
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક ઇઓલે કહ્યું કે જો ઉત્તર કોરિયા કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો તેમનો દેશ પણ જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, “જો અમને યુદ્ધ માટે ઉશ્કેરવામાં આવશે, તો અમે વધુ તાકાતથી જવાબી કાર્યવાહી કરીશું.” તેમણે એમ પણ કહ્યું કે દક્ષિણ કોરિયા કિમ જોંગ ઉન સામે જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે.
કિમ જોંગ ઉન યુદ્ધના મૂડમાં કેમ છે?
કિમ જોંગ ઉને તાજેતરમાં બંધારણમાં ફેરફાર કરીને દેશની કેટલીક એજન્સીઓને ખતમ કરી દીધી હતી. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની માહિતી અનુસાર, કિમે બંધારણમાં ફેરફાર કર્યા છે જેથી તે દક્ષિણ કોરિયાને પોતાના દેશમાં ભેળવી શકે.
કિમ જોંગ ઉને કહ્યું, કોરિયન દ્વીપકલ્પ પર તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ નક્કી કરી શકાય છે કે અમે કોરિયા રિપબ્લિક (દક્ષિણ કોરિયા) સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસમાં ભૂલ કરી છે. કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાને પોતાના દેશમાં ભેળવી દેવાના યુદ્ધના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર કોરિયા પાસે મોટી સંખ્યામાં પરમાણુ મિસાઈલો હોવાનો અંદાજ છે. જો કે તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.


