- સ્પીકરે 14 ધારાસબ્યોની ગેરલાયકાતની અરજીને નકારી હતી
- ઉદ્ધવની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 22 જાન્યુઆરીએ સુનવણી
- ઉદ્ધવ ઠાકરે જુથ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને લઈને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણયને લઈને બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે ઉદ્ધવ જૂથ અને સ્પીકરને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી માટે 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.
બોમ્બે હાઈકોર્ટે નોટિસ પાઠવી
બોમ્બે હાઈકોર્ટે નાર્વેકર અને ઉદ્ધવ ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેંચે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયને પણ નોટિસ જારી કરી હતી અને તમામ પ્રતિવાદીઓને પિટિશનમાં એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે આ કેસની સુનાવણી માટે 8મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું કે, તમામ પ્રતિવાદીઓને નોટિસ મોકલવામાં આવવી જોઈએ. કાઉન્ટર એફિડેવિટ માટે જો કોઈ હોય તો, અગાઉથી દાખલ કરવી જોઈએ અને તેની નકલો અરજદારને આપવી જોઈએ. આ બાબત ફેબ્રુઆરી 8 માટે સૂચિબદ્ધ છે.
શું દલીલ આપવામાં આવી?
ઉદ્ધવ ઠાકરે જૂથ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ શુક્રવારના બદલે આવતા સપ્તાહે સોમવારે સુનાવણી થવી જોઈએ. આ અંગે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, અમે સોમવારે આ અંગે સુનાવણી કરીશું.
શું કહેવાયું છે અરજીમાં?
એકનાથ શિંદેના શિવસેનાના ચીફ વ્હીપ ભરત ગોગાવલેએ હરીફ છાવણીના 14 ધારાસભ્યો સામે દાખલ કરેલી અરજીઓમાં કહ્યું છે કે તેઓ સંબંધિત ગેરલાયકાતની અરજીઓને નકારી કાઢતા નાર્વેકરના 10 જાન્યુઆરીના આદેશની કાયદેસરતા, યોગ્યતા અને શુદ્ધતાને પડકારી રહ્યા છે.


