- સેનાએ ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- સેનાની ટુકડી એલઓસી પર રેગ્યુલર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જ આ ઘટના સર્જાઇ
- પેટ્રોલિંગ દરમિયાન જવાનનો પગ લેન્ડમાઇન પર પડી ગયો હતો
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે નૌશેરામાં એક જૂની લેન્ડમાઇનમાં વિસ્ફોટ થતાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા અન્ય બે જવાનો ઘવાયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન સેનાએ આ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અહેવાલો અનુસાર સેનાની ટુકડી એલઓસી પર રેગ્યુલર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જ આ ઘટના સર્જાઇ હતી. પેટ્રોલિંગ દરમિયાન જવાનનો પગ લેન્ડમાઇન પર પડી ગયો હતો. અત્રે નોંધનીય છે કે પ્રજાસત્તાક દિવસ અને અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જડબેસલાક સુરક્ષા સ્થાપિત કરવા માટે ભારત અને પાકિસ્તાનની સરહદ સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં સુરક્ષા દળો અને પોલીસ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાઇ રહ્યો છે અને 26 જાન્યુઆરીના સમારોહ અગાઉ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સમગ્ર સુરક્ષા તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
શ્રીનગર-ચોકીબલ હાઇવે પર આઈઈડી મળી આવ્યું
કુપવારા જિલ્લામાં વિસ્ફોટક સામગ્રી(આઈઈડી) પકડાઇ હતી અને તેને તરત નષ્ટ કરી દેવામાં આવી હતી, તેમ સેનાએ માહિતી આપી હતી. અહેવાલો અનુસાર કુપવારા જિલ્લામાં શ્રીનગર-ચોકીબલ હાઇવે પર ચોકીબલની નજીકથી આ આઈઈડી જપ્ત કરવામાં આવ્યું હતું. ચિનાર કોરના યૌદ્ધાઓએ શ્રીનગર-ચોકીબલ હાઇવે પર ચોકીબલ નજીક જ આઈઈડી જપ્ત કર્યું હતું અને તેને નષ્ટ કર્યું હતું.


