- બેટ દ્વારકામાં બોટનો વિડીયો થયો વાયરલ
- વડોદરાની દુર્ઘટના બાદ વીડિયો થયો વાયરલ
- લાઇફ જેકેટ વિના જ લોકોને બોટમાં બેસાડ્યા
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોના મોતથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે સૌકોઈ બોટસેવા ચલાવતા કોન્ટ્રાકટરો પર ફિટકાર વરસાવી રહ્યા છે. તો સાથે સાથે રાજ્યના અન્ય સ્થળેથી પણ આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે જેમાં બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકો બેસાડવામાં આવ્યા હોય. બેટ દ્વારકાનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં 300 લોકોને બેસાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મઉજબ, બેટ દ્વારકામાં એક બોટમાં ક્ષમતા કરતાં વધુ 300 જેટલા લોકો બેસાડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટની એક યુવતિએ બેટ દ્વારકાનો આ વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ, ગત 13 તારીખ શનિવારનો આ વિડીયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક જ બોટમાં 250 થી 300 લોકો ભર્યા છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં જેટલા લોકોને બેસાડવામાં આવ્યા છે તે તમામ લોકોનેલાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બેસાડવામાં આવ્યા છે. તો, વિડીયો જોઈને સ્પષ્ટ કહી શકાય છે કે સમગ્ર બાબતે બોટ સંચાલકની ઘોર બેદરકારી હોવાનું કહેવાઈ રહ્યું છે.
પૂજાબેન માકડિયા નામની યુવતીએ પોતાના સોશિયલ એકાઉન્ટમાંથી વીડિયો વાયરલ કર્યો છે. બેટ દ્વારકા પરિવાર અને મિત્રો સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે આ વિડિયો બનાવ્યો હતો. યુવતી દ્વારા વિડીયોમાં કહેવામાં આવ્યું કે દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ. અને વાત પણ સાચી છે કે જો આ પ્રકારે બેદરકારી દાખવીને ક્ષમતા કરતાં વધારે લોકો ભરવામાં આવે તો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે કોણ જવાબદાર અને હોનારત કેટલી ભયાનક બની શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.


