- વધતી ફૂડ કોસ્ટ, હાઉસિંગ સમસ્યા નિવારવા નિર્ણય
- ઓપન વર્ક પરમિટ મુશ્કેલ
- ગત વર્ષ કરતાં સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો કાપ, કેનેડામાં હાલમાં 2.30 લાખ સ્ટુડન્ટ્સ
વધતી ફૂડ કોસ્ટ અને હાઉસિંગ કટોકટીની સમસ્યાના નિવારણ માટે કેનેડા સરકારે નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી જાહેર કરી છે, જેનાથી અભ્યાસ કરવા માટે કેનેડા જવા માગતા કે ત્યાં અભ્યાસ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સને પણ મોટો ફટકો પડશે. કેનેડાએ વાર્ષિક 3.60 લાખ સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કરવાની મર્યાદા જાહેર કરી છે, જે ગત વર્ષની સરખામણીમાં 35 ટકાનો કાપ દર્શાવે છે. કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરના કહેવા પ્રમાણે આ બે વર્ષ માટેની હંગામી પોલિસી છે. તેમ છતાં આ નિર્ણયની ભારતીય સ્ટુડન્ટ્સ પર મોટી અસર થશે. કેનેડામાં વિદેશી સ્ટુડન્ટ્સની બાબતમાં ભારત લાર્જેસ્ટ સોર્સ કન્ટ્રી છે, મતલબ કે કેનેડામાં ભણતા વિદેશી સ્ટુડન્ટ્સ પૈકી સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. હાલ કેનેડામાં અંદાજે 2.30 લાખ ભારતીય સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડા સરકારે વિદેશી સ્ટુડન્ટ્સને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ્સ પર પણ મર્યાદાઓ લાદી છે, જેનો આશય વિદેશી સ્ટુડન્ટ્સને તેમના દેશમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ઓપન વર્ક પરમિટ મુશ્કેલ
ઓપન વર્ક પરમિટ પણ માસ્ટર્સ કે ડૉક્ટરલ પ્રોગ્રામ્સના વિદેશી સ્ટુડન્ટ્સના સ્પાઉઝ (પતિ કે પત્ની)ને જ મળશે. અન્ડર- ગ્રેજ્યુએટ કે કોલેજ સ્ટુડન્ટ્સના સ્પાઉઝ આવી વર્ક પરમિટ માટે એલિજિબલ નહીં ગણાય. આ ઉપરાંત સ્ટુડન્ટ પરમિટ એપ્લિકેશન માટે એક નવા ડોક્યુમેન્ટની પણ જરૂર રહેશે. અરજદારને સમાવવાની કેનેડાના જે-તે પ્રાંતની ક્ષમતાની પુષ્ટિ કરતો તે પ્રાંતનો લેટર ઓફ એટેસ્ટેશન જોઇશે.


