- હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયલના અત્યારસુધીમાં 200થી સૈનિકોના મોત
- હમાસના લડાકુઓએ આરપીજી દ્વારા હમલો કર્યો અને બે ઇમારતો ધરાશાયી થઈ
- બંને ઈમારતોમાં વિસ્ફોટકો રાખ્યા હોવાનો ઇઝરાયલી સેનાને આશંકા
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ ભીષણ બનતું જઈ રહ્યું છે ત્યારે આ યુદ્ધમાં બંને તરફની સેનાઓને નુકશાન થઈ રહ્યું છે. ઇઝરાયલ સેના માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું છે કે ગઇકાલે ગાઝામાં હમાસ સાથેના સંઘર્ષમાં તેના 21 સૈનિકોના મોત થયા છે. વાસ્તવમાં, સંઘર્ષ દરમિયાન એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેને કારણે એક આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી અને 21 જેટલા સૈનિકોના મોત થયા. તો, ઇઝરાયલી સેનાના એક ટેંક પર હમાસના લડાકુઓએ આરપીજીથી હુમલો કર્યો હતો. આ સૈનિકોના મોતની સાથે હમાસ સાથે યુદ્ધમાં ઇઝરાયલના અત્યારસુધીમાં કુલ 200થી વધુ સૈનિકો મોતને ભેટયા છે.
ઈમારતમાં વિસ્ફોટકો હોવાની આશંકા
ઇઝરાયલી સેના વિસ્ફોટનું કારણ તપાસી રહી છે. જોકે, હાલ તો માનવામાં આવી રહ્યું છે કે જે ઈમારતમાં વિસ્ફોટ થયો તેમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. જ્યારે, તે સ્થળે ઇઝરાયલના સૌનીકો હાજર હતા ત્યારે આરપીજી દ્વારા ઈમારત પર હુમલો કરવામાં આવ્યો જેના કારણે બિલ્ડિંગમાં મોટો વિસ્ફોટ થયો. આ વિસ્ફોટને કારણે બે ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ઈમારતોના કાટમાળમાં અને વિસ્ફોટને કારણે ઇઝરાયલના સૈનિકોના મોત થયા.
કાટમાળમાં દટાઈ જતાં સૈનિકોના મોત
ઈઝરાયેલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું કે ગઈકાલની ઘટનામાં કુલ 21 સૈનિકો માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું કે સૈનિકો સરહદ પર લગભગ 600 મીટરના વિસ્તારમાં હાજર હતા. સૈનિકો ત્યાં હમાસના ઠેકાણાઓ નષ્ટ કરી રહ્યા હતા. સાંજે લગભગ 4 વાગ્યે આતંકવાદીઓએ આરપીજી વડે એક ટેન્ક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બે માળની બે ઈમારતોમાં વિસ્ફોટ થયો. જે બાદ બંને ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારતોના કાટમાળમાં દબાઈ જવાથી સૈનિકોના મોત થયા હતા.
ઈજિપ્તએ આપી ઇઝરાયલને ચેતવણી
ઈજિપ્તે ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ બંને દેશોની સરહદ પર સ્થિત જમીનના ટુકડા ફિલાડેલ્ફિયા કોરિડોર પર કબજો કરવાનો પ્રયાસ કરશે તો તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડી શકે છે. ફિલાડેલ્ફિયા કોરિડોર ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચેનો 14 કિલોમીટર લાંબો વિસ્તાર છે. ઇઝરાયેલની સેના આ વિસ્તાર પર નિયંત્રણ મેળવવાની યોજના બનાવી રહી છે કારણ કે આ વિસ્તારમાંથી ગાઝામાં શસ્ત્રોની દાણચોરી કરવામાં આવે છે. ઇજિપ્તને ચિંતા છે કે સરહદ પર લશ્કરી કાર્યવાહીથી મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન તેના ક્ષેત્રમાં પ્રવેશી શકે છે.


