- આમ આદમી પાર્ટી-કોંગ્રેસ સાથે મળીને આ ચૂંટણી લડી રહ્યાં છે
- લોકસભા ચૂંટણી 2024 પહેલાં INDIA બ્લોકનો લિટમસ ટેસ્ટ
- ભાજપ પાસે 14 કાઉન્સિલરો, આપ-કોંગ્રેસ પાસે 20 કાઉન્સિલરો
પંજાબ – હરિયાણા હાઈકોર્ટના હસ્તક્ષેપ અને અનેક વિવાદો બાદ આજે ચંદીગઢ મેયરની ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી પહેલાં આ INDIA બ્લોકનો લિટમસ ટેસ્ટ છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ પક્ષોની સીધી જંગ ભાજપ સાથે છે.
30 જાન્યુઆરીએ ચૂંટણી કરાવવાનો આદેશ
મહત્વનું છે કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચંદીગઢ પ્રશાસનના આદેશને રદ કરી દીધો હતો, જેમાં ચૂંટણી સ્થગિત કરવાનું કહ્યું હતું. કોર્ટે 30 જાન્યુઆરીએ ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. ચંદીગઢના ડેપ્યુટી કમિશનરે મેયરની ચૂંટણીની તારીખ 18 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મેયરની ચૂંટણી કરાવવાની જવાબદારી ડેપ્યુટી કમિશનરની છે.
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમીકરણ શું છે?
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પાસે 14 કાઉન્સિલરો છે અને એક સાંસદના વોટ સાથે તે 15 વોટ બની જાય છે. જ્યારે INDIA બ્લોકમાં આમ આદમી પાર્ટીના 13 કાઉન્સિલરો અને કોંગ્રેસના 7 કાઉન્સિલરો સહિત કુલ 20 મત છે. શિરોમણી અકાલી દળના એક કાઉન્સિલરે NOTA સાથે રહેવાની જાહેરાત કરી છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોની સંખ્યા 35 છે. સાંસદનો એક મત ઉમેરવાથી કુલ મતોની સંખ્યા 36 થાય છે.
મેયર માટે AAP અને BJP વચ્ચે ટક્કર
આ ચૂંટણીમાં ભાજપના મનોજ સોનકર મેયર સીટના ઉમેદવાર છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કુલદીપ કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. આ સિવાય AAP બંને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારો ઉભા રાખશે નહીં. ગુરપ્રીત સિંહ ગાબી અને નિર્મલા દેવ ડેપ્યુટી મેયર માટે કોંગ્રેસના ઉમેદવાર હશે, જ્યારે કુલજીત સંધુ અને રાજીન્દર શર્મા ભાજપ તરફથી ચૂંટણી લડશે.
ચંદીગઢ મેયરની ચૂંટણી કડક સુરક્ષા હેઠળ યોજાશે
ક્રોસ વોટિંગ અને વોટ કેન્સલ થવાના કારણે ચૂંટણીમાં અંધાધૂંધી થવાની પણ શક્યતા છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે ચૂંટણી યોજાવાની છે. ચંદીગઢ પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરની આસપાસ કલમ 144 લાગુ કરી છે. કોર્પોરેશન પરિસરમાં અર્ધલશ્કરી દળોની સાથે લગભગ 800 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ લેવલ બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે ચંદીગઢ પ્રશાસનને સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ જારી કરી છે કે ચૂંટણીના દિવસે કોઈપણ કાઉન્સિલરને તેના સમર્થકો અથવા કોઈપણ સુરક્ષા કર્મચારીઓને સાથે લાવવાની મંજૂરી ન હોય.


