- ICCએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવ્યો
- રમતગમત મંત્રી હરિન ફર્નાન્ડોએ ટ્વીટ કરીને સસ્પેન્શન હટાવવાની જાણકારી આપી
- સરકારની દખલગીરી બાદ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું હતુ
શ્રીલંકન ક્રિકેટને ગૂડ ન્યૂઝ આપતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) બોર્ડ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બોર્ડે રવિવાર 28 જાન્યુઆરીથી શ્રીલંકન ક્રિકેટ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લીધો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન સરકારની દખલગીરી બાદ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હતું. હવે શ્રીલંકન ક્રિકેટ માટે આ એક સારા સમાચાર છે.
આ કારણે લગાવાયો હતો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે શ્રીલંકા ક્રિકેટને ગયા વર્ષે નવેમ્બરમાં ICC સભ્ય તરીકેની જવાબદારીઓના ગંભીર ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ જવાબદારીઓમાં ખાસ કરીને તે જરૂરિયાતનો સમાવેશ થાય છે કે તેની બાબતો અને કામગીરીના આચરણમાં કોઈ સરકારી હસ્તક્ષેપ ન હોય. ODI વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ટીમ ટોપ-4 માટે ક્વોલિફાય કરી શકી ન હતી.
ICC એ પ્રતિબંધ હટાવ્યો
ICC સસ્પેન્શન બાદથી શ્રીલંકન ક્રિકેટની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને હવે તે સંતુષ્ટ છે કે તે હવે તેની સભ્યપદની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતું નથી. રમતગમત મંત્રી હરિન ફર્નાન્ડોએ ટ્વીટ કરીને સસ્પેન્શન હટાવવાની જાણકારી આપી હતી. તેણે લખ્યું, ‘આઈસીસીએ શ્રીલંકા પર લાગેલા પ્રતિબંધને તાત્કાલિક અસરથી હટાવી લીધો. સત્તાવાર મીડિયા રિલીઝ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ICCએ ગયા વર્ષે નવેમ્બરમાં રાજકીય હસ્તક્ષેપનો હવાલો આપીને શ્રીલંકન ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધું હતું.


